- માણેજા ક્રોસિંગ પાસે રસ્તામાં 4 બસ વચ્ચે અકસ્માત થયો હોવાથી રોડ પર ઓઇલ ઢોળાતા મકરપુરા પોલીસે એક તરફનો રસ્તો બંધ કરાવ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો
- અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર, દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે ગત રાત્રે કારચાલકની અડફેટે યુવકનું મોત થયું હતું. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. જેમાં દેખાય છે કે, કાર ચાલક પૂરપાટ ઝડપે જઇ રહ્યો છે અને યુવકને અડફેટે લીધો છે. કાર ચાલકની અડફેટે બાઈક ચાલક 25થી 30 મીટર સુધી ઢસડયો હતો.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો 42 વર્ષીય યુવક વિરલ પ્રવિણભાઇ ચૌહાણ છેલ્લા 5 વર્ષથી માણેજા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વિરલ ગઇકાલે કંપનીની ગાડી લઇને રાજકોટ ગયો હતો અને ત્યાંથી મોડી રાત્રે તે કંપનીમાં પરત ફર્યો હતો અને કંપનીમાં કાર મૂકીને બાઇક લઇને ઘરે જઇ રહ્યો હતો. આ સમયે રસ્તામાં 4 બસ વચ્ચે અકસ્માત થયો હોવાથી ઓઇલ ઢોળાયેલું હતું. જેથી મકરપુરા પોલીસે એક તરફનો રસ્તો બંધ કરાવ્યો હતો. આ દરમિયાન વન વેમાં સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે વિરલની બાઇકને અડફેટે લીધી હતી. જેને પગલે બાઇકચાલક યુવક આશરે 30 મીટર જેટલો દૂર રોડ પર ઢસડાયો હતો. જેમાં વિરલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાન પગલે મકરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી મકરપુરા પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ મૃતક યુવક વિરલ ચૌહાણ તરસાલી વિસ્તારમાં વિશાલનગરમાં રહેતો હતો. તેના પરિવારમાં પત્ની અને 18 વર્ષનો પુત્ર છે, જે કોલેજમાં અભ્યાસ કરે છે. વિરલનું અચાનક મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. વિરલ તેના પરિવારમાં કમાનાર એકમાત્ર હતો. જેથી પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન. પરમારે જણાવ્યું હતું કે, અમે નાઇટ પેટ્રોલિંગમાં હતા, તે સમયે આગળ અકસ્માત થયો હોવાથી ઓઇલ ઢોળાયું હતું. જેથી આગળ રસ્તો બંધ કર્યો હતો. આ સમયે બાઇક ચાલક યુવક જઇ રહ્યો હતો. જેથી અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાઇક ચાલકનું સ્થળ પર મોત થયું હતું.