- હત્યારા ભત્રીજાએ ફૂવાની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પરિવારને શંકા જતાં હત્યાની સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો
વડોદરાના વાઘોડિયા તાલુકા નજીક ભાણપુરા ગામમાં ભત્રીજાએ ફુવાની હત્યા કરી છે. ઘરમાં તોફાન કરતો હોવાથી ફુવાએ ભત્રીજાને ભૂવા પાસે લઈ જવાની વાત કરી હતી. ભત્રીજો ભૂવા પાસે જવા માગતો નહોતો, તેથી તેને ઉશ્કેરાટમાં આવીને ફુવાને માથામાં પાવડો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હત્યાના બનાવને હત્યારા ભત્રીજાએ પોતાની માતાને સમજાવી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પરિવારને બનાવમાં શંકા જતાં સમગ્ર ઘટનાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો હતો. હત્યાના મામલાને લઈ વાઘોડિયા પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ભાણપુરા (રુસ્તમપુરા) ગામમાં 23 વર્ષીય ભાવેશ અર્જુનભાઇ બારિયા પરિવાર સાથે રહે છે. ભાવેશ અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો અને તોફાન કરતો હતો, આથી ભાવેશની માતા સરોજબહેને પુત્રને સમજાવવા અને મગજ શાંત થાય એ માટે ડભોઇના દંગીવાડા ગામમાં રહેતા 65 વર્ષીય જગદીશભાઇ મોતીભાઇ બારિયાને વાત કરી હતી.
આ દરમિયાન જગદીશભાઈ બારિયા તારીખ 30 નવેમ્બર 23ના રોજ ભાણપુરા ગામમાં રહેતા ભત્રીજા ભાવેશને સમજાવવા માટે ગયા હતા. ભાણપુરા ગામ ગયા બાદ જગદીશભાઇ અને તેમનાં બહેન સરોજબહેન ભાવેશને સંખેડા તાલુકાના માલુ ગામમાં ભૂવા પાસે લઇ જવાની તૈયારી કરી હતી. જોકે ભાવેશ ભૂવા પાસે જવા માગતો નહોતો, આથી તેણે ભૂવા પાસે લઇ જવા માટે આવેલા ફુવા જગદીશભાઇ બારિયાના માથામાં પાવડો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
જગદીશભાઇના માથામાં પાવડાનો જીવલેણ ઘા વાગતાં બહેન સરોજબહેન તેમજ અન્ય પરિવારજનો તેમને વાઘોડિયા પારુલ હોસ્પિટલે લઇ ગયા હતા. તો બીજી બાજુ પરિવારજનોએ જગદીશભાઇ પડી ગયા હોવાથી ઇજા થઇ હોવાની જાણ જગદીશભાઇના પુત્ર જસવંતને કરતાં તરત જ તેઓ પરિવાર સાથે પારુલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે તેઓ પહોંચે એ પહેલાં જગદીશભાઇને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ પરિવારજનો જગદીશભાઇના મૃતદેહને દંગીવાડા ખાતે લઇ ગયા હતા.
જોકે પુત્ર તેમજ પરિવારજનોને પિતાના મોત અંગે શંકા જતાં ગામના ડેપ્યુટી દ્વારા તપાસ કરાવી હતી, જેમાં જગદીશભાઇના માથામાં ભાવેશ પાવડો મારતાં મોત નીપજ્યું હોવાની માહિતી બહાર આવી હતી, આથી પરિવારજનોએ ભાવેશને પૂછતાં તેણે ફુવા ભૂવા પાસે લઇ જવા માગતા હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં હતી. ફુવાની હત્યા કરનાર ભત્રીજા ભાવેશ બારિયાની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે ભાણપુરા ગામમાં અને દંગીવાડા ગામમાં ચકચાર જગાવી મૂકી હતી. પોલીસે હત્યારા ભાવેશ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.