વડોદરામાં નાસ્તાની લારી ઉભી રાખવા બાબતે બે શખસે યુવકને ઢોર માર માર્યો, લોકોએ બચાવ્યો

યુવક વડીવાડી ફાયર સ્ટેશન પાસે નાસ્તાની લારી ચાલુ કરવા જગ્યા જોવા ગયો હતો

MailVadodara.com - In-Vadodara-two-men-thrashed-a-youth-for-stopping-a-breakfast-lorry-people-saved-him

- જાનથી મારી નાખીશું કહીને મોઢે, છાતીએ, પીઠે અને માથાના ભાગે ગડદાપાટુનો માર માર્યો, ઇજાગ્રસ્ત યુવકની બહેને ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરાના વડીવાડી વિસ્તારમાં નાસ્તાની લારી ઉભી રાખવા બાબતે બે શખસે યુવકને ઢોર માર માર્યો હતો. આ મામલે ઇજાગ્રસ્ત યુવકની બહેને 2 શખસ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવક વડીવાડી ફાયર સ્ટેશન પાસે રોડની સાઈડમાં નાસ્તાની લારી ચાલુ કરવા માટે જગ્યા જોવા ગયો હતો.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી યોગેશ્વર જ્યોત સોસાયટીમાં રહેતા પ્રતિમા પટેલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 26 એપ્રિલના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતી. તે વખતે મારા મિત્રનો મને ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તમે તાત્કાલિક રેસકોર્સ આવો. તમારા ભાઈ શક્તિને માર મારવા માટે કેટલાક શખસ આવ્યા છે. જેથી હું તાત્કાલિક રેસકોર્સ જવા માટે નીકળી હતી.

આ સમયે મારા મિત્રએ મને ફરીથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમે જલ્દી આવો કેટલાક શખસ તમારા ભાઈ શક્તિને માર મારે છે. જેથી હું રેસકોર્સ પહોંચી ગઇ હતી અને ત્યાં લોકોનું ટોળું એકઠું થયેલું હતું અને મારો ભાઈ રોડની સાઈડમાં ફુટપાથ પર બેઠેલો હતો તેના મોઢામાંથી લોહી નીકળતું હતું. જેથી મેં 100 નંબર ઉપર ફોન કર્યો હતો અને મારા ભાઈ શક્તિને ખાનગી વાહન મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યો હતો, ત્યારબાદ હું સયાજી હોસ્પિટલમાં ગઇ હતી. જ્યાં મારા ભાઈની સારવાર ચાલુ હતી.

આ દરમિયાન મારાભાઈ શક્તિએ મને કહ્યું હતું કે, હું વડીવાડી ફાયર સ્ટેશન પાસે રોડની સાઈડમાં નાસ્તાની લારી ચાલુ કરવા માટે જગ્યા જોવા ગયો હતો. તે વખતે વડીવાડી ફાયર સ્ટેશન પાસે આવેલી બાપુ મેગીવાળા યુવરાજભાઈને મેં જણાવ્યું હતું કે, તમારી બાજુમાં થોડી જગ્યા છે, તો મારે નાસ્તાની લારી ચાલુ કરવી છે. જેથી બાપુ મેગીવાળા યુવરાજ ભાઈએ મને કહ્યું કે, તું મારી બાજુમાં લારી લગાવતો નહીં, તેમ જણાવીને મારી સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી.

તે વખતે વાસ્તવ આમલેટ વાળા શૈલેશભાઈનો મને ફોન આવ્યો અને કહ્યું હતું કે, તમે ત્યાં યુવરાજ સાથે માથાકૂટ કરશો નહીં, તે મારો મિત્ર થાય છે, જેથી હું મારી બાઈક લઈને ત્યાંથી થોડે દુર આવેલા સાંઈનાથ સેવઉછળની લારીએ નાસ્તો કરવા ગયો હતો, તે વખતે બાપુ મેગીવાળા યુવરાજભાઈ અને તેનો મિત્ર રાજા આવ્યો હતો અને મને ગંદી ગાળો આપી હતી અને મને કહ્યું હતું કે, આજે તને જાનથી મારી નાખીશું તેમ કહીને મને મોઢે, છાતીએ, પીઠે અને માથાના ભાગે વારાફરતી ગડદાપાટુનો માર માર્યો હતો.

ત્યારબાદ યુવરાજ અને તેનો મિત્ર રાજા મને વધુ માર મારવા માટે સમતા ગ્રાઉન્ડ ખાતે લઈ જવાનું જણાવી પોતાની બાઈકમાં બેસડતા હતા. જેથી આજુબાજુના લોકો વચ્ચે પડી મને છોડાવ્યો હતો. તેમ મારા ભાઈ શક્તિએ મને સારવાર દરમિયાન જણાવ્યું હતું. મારો ભાઈ શક્તિ હાલ ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને મેં આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments