- વ્યાજખોર ચન્દ્રકાન્ત શાહે વ્યાજ કાપી રૂપિયા ૯૭ હજાર આપ્યા હતા અને બદલામાં રણજીતભાઇ પાસેથી કાર ગીરો મુકાવી આઠ કોરા ચેક લીધા હતા
શહેરના નિઝામપુરા વિસ્તારના એક વ્યાજખોરે કાર ડ્રાઇવરને ૩ ટકા વ્યાજે રૂપિયા આપ્યા બાદ કાર વગે કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જૂના લક્કડપીઠા ખાતે રહેતા મૂળ મહિસાગર જિલ્લાના ખાંટા ગામના વતની રણજીતભાઇ વાદીએ પોલીસને કહ્યું છે કે, હું અગાઉ નિઝામપુરાની મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો. ત્યારે શાસ્ત્રીનગરમાં રહેતા ચન્દ્રકાન્ત છોટાલાલ શાહનો સંપર્ક થયો હતો. ત્યારબાદ મેં નોકરી છોડી હપ્તેથી કાર લીધી હતી અને ડ્રાઇવિંગ કરી રહ્યો છું. મારી ભત્રીજીના લગ્ન હોવાથી મેં ચન્દ્રકાન્ત શાહ પાસેથી રૂપિયા ૧ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા. તેમણે વ્યાજ કાપી રૂપિયા ૯૭ હજાર આપ્યા હતા અને બદલામાં મારી કાર ગીરો મુકાવી આઠ કોરા ચેક પણ લીધા હતા.
આ દરમિયાનમાં મારી પત્નીએ મહિલા મંડળીમાંથી લોન લેતાં હું રૂપિયા ચૂકવવા અને કાર છોડાવવા ચન્દ્રકાન્તભાઇને ત્યાં ગયો હતો. પરંતુ ત્યાં મારી કાર નહતી. તેમણે મને કાર રીપેરિંગમાં આપી હોવાનું કહ્યું હતું. જેથી ગેરેજમાં જઇ તપાસ કરતાં ત્યાં પણ કાર નહતી. વળી કારની બાકીની લોન ભરાઇ ગઇ હોવાનો મને મેસેજ મળતાં આ કાર બારોબાર વેચી દેવામાં આવી હોવાની મને શંકા ગઇ હતી. ફતેગંજ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.