- 99 વર્ષના વૃદ્ધાએ કહ્યું, અમે વોટિંગ કરી શકતા હોય તો પછી યુવાનોએ પણ કરવું જોઈએ
વડોદરામાં લોકસભા ચૂંટણીમાં મતદાન સમયે આજે સિનિયર સિટીઝનોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિનિયર સિટીઝનોને પોલિંગ બુથ સુધી પહોંચતા તકલીફના પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક સ્થળે તો ખુદ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને અને અશક્ત વૃદ્ધોને વ્હીલ ચેર પર પોલિંગ બુથની અંદર લઈ જવામાં આવ્યા હતા. શહેરના અજબડી મિલ વિસ્તારમાં આવેલી એમ. એસ. હાઇસ્કુલ તથા છત્રપતિ શિવાજી સ્કૂલના મતદાન મથક પર પોલીસ દ્વારા સીનીયર સીટીઝનોને મતદાન મથકની અંદર જવા પોલીસે મદદ કરી હતી.
વડોદરામાં આજે સવારથી જ મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજીને લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. જેમાં આજે સુભાનપુરા વિસ્તારમાં સિનિયર સિટીઝનો ઢોલ નગારા વગાડતા વોટીંગ કરવા જતા હોવાના દ્રશ્ય જોવા મળ્યા હતા. આ સિનિયર સિટીઝનોમાં 99 વર્ષના વૃદ્ધ મહિલા પણ હતા. તેઓનું કહેવું હતું કે અમે જો વૃદ્ધ લોકો ચાલતા ચાલતા વોટીંગ કરવા જઈ શકતા હોય તો પછી બીજા લોકોએ પણ અને ખાસ તો યુવાનોએ વોટિંગ માટે જાગૃતિ દર્શાવવી જોઈએ. આ દેશનો જે વિકાસ કરે છે તેને વોટ આપીને સત્તા સ્થાને બેસાડવા જોઈએ. ચૂંટણીએ લોકશાહીનું મહાપર્વ છે, ત્યારે દરેકે મતદાન અચૂક કરવું જોઈએ .એક ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝનોને ઘરે ઘરેથી બહાર લાવીને વોટિંગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. એક સિનિયર સિટીઝનનું કહેવું હતું કે દરેકે મતદાનની પવિત્ર ફરજ અચૂક અદા કરવી જોઈએ.
મતદારોને વોટીંગ કરવામાં તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા મતદાર સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જે મતદારોને સહાયરૂપ થઈ પડ્યા છે. મતદાન કેન્દ્રોની બહાર જે તે વિસ્તારના બુથ લેવલ ઓફિસર ની મદદથી મતદાર સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જે મૂંઝવણ અનુભવતા મતદારો ને યોગ્ય માર્ગદર્શન આપીને તેમનું મતદાન સરળ બનાવી રહ્યાં છે. વોર્ડ નં.15 ની કચેરી ખાતેના મતદાન મથકે કલેકટર કચેરીના કર્મચારી અને બી.એલ.ઓ. મતદાન શરૂ થયું તે પહેલાં મતદાન મથકે આવીને મતદાન અધિકારીઓ સાથે સંકલન કરતા નજરે પડ્યા હતા. તે પછી તેમણે મતદાર યાદીની નક્લ સાથે મતદાર સહાયતા કેન્દ્ર-હેલ્પ સેન્ટર શરૂ કરી મતદારોને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું. આ સુવિધા ખૂબ ઉપયોગી જણાતી હતી.