વડોદરામાં પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગન પર બેઠેલા યુવકે વીજવાયર પકડી લેતા ભડથું, વેગનમાં પણ આગ લાગી

આજે વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે ટ્રેનના વેગનમાં આગ લાગ્યાની ઘટના બની

MailVadodara.com - In-Vadodara-a-young-man-sitting-on-a-train-wagon-full-of-petrol-caught-fire-and-caught-fire-the-wagon-also-caught-fire

- 3 ફાયર સ્ટેશનના સ્ટાફે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

- વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો


વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડથું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નિકળી હતી.


વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા પંડયા બ્રિજ પાસે આજે વહેલી સવારે 6.10 વાગ્યે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ ફાટી નિકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી તુરંત જ વડીવાડી, દાંડિયા બજાર અને TP-13 ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તુરંત જ હાઈ ટેન્શન લાઈનનો પાવર બંધ કરાવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ સવારે 6.55 વાગ્યે વેગન સ્થળ પરથી જવા રવાના કરવામાં આવ્યું હતું.


હાઈ ટેન્શન લાઈન પોલ નંબર 396/37થી 396/39 વચ્ચે ટ્રેનના વેગનમાં આ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા રેલવે સ્ટેશન સુપરિટેન્ડેન્ટ વિવેક દીધે અને રેલવે સ્ટેશન એસએસ ઓપરેટર બી.કે. ઝા સહિત રેલવે સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત RPF અને GRPનો સ્ટાફ પણ દોડી ગયો હતો. આ સમયે વેગનની બાજુમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.


વડોદરા રેલવે પોલીસના PSI એ.જે. પડ્યાએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા અમે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડ પણ સ્થળ પર પહોંચી ગયું હતું અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. તેની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવકે રેલવે ટ્રેક પરનો વીજ વાયર પકડી લેતા તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે.

Share :

Leave a Comments