- પત્નીએ પતિને વીડિયો કોલ કરી ઓઢણી બતાવી ફાંસો ખાવાની આપેલી ચીમકીથી ગભરાઇ ગયેલા પતિએ ગણતરીની મિનિટોમાં ઘરે પહોંચી પંખા પર લટકતી પત્નીને નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ ગયો
શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા ડોક્ટર પતિને વીડિયો કોલ કરી ઓઢણી બતાવી પરિણીતાએ ફાંસો ખાઇ લીધો હતો. ફાંસો ખાઇ લેનાર પરિણીતાની ખાનગી હોસ્પિટલમાં ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટર પતિ ચા પીવા માટે ઘરે ન આવતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ સી- 401, સિલ્વરનેસ્ટ ભાયલી ખાતે રહેતા ડો. ચંદ્રવદન મોતીભાઇ પંડ્યા પત્ની કોમલ સાથે રહે છે. તા.1 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે પત્નીએ પતિને ઘરે ચા પીવા માટે આવવા માટે જણાવ્યું હતું. પરંતુ પતિએ ચા પીવા માટે આવવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ દરમિયાન પત્નીએ પતિને વીડિયો કોલ કરી ઓઢણી બતાવી ડ્રામા ક્રિએટ કરીશ તેમ જણાવી રૂમમાં જઇ પંખા ઉપર ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જોકે, પત્નીએ પતિને ઓઢણી બતાવી ફાંસો ખાવાની આપેલી ચીમકીથી ગભરાઇ ગયેલ પતિ ગણતરીની મિનિટોમાં જ ઘરે પહોંચી ગયો હતો. પંખા ઉપર લટકતી પત્નીને પંખા ઉપરથી નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં તબીબોએ તુરત જ તેઓને ICUમાં ખસેડી સારવાર શરૂ કરી દીધી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી ભાયલી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. યુ. ગોહિલે જણાવ્યું હતું કે, આ બનાવની પ્રાથમિક તપાસમાં 30 વર્ષિય ડો. ચંદ્રવદન પંડ્યા અને 28 વર્ષિય કોમલના લગ્ન 14 માસ પહેલાં થયા હતા. પતિ નોકરીના કારણે ટાઇમ આપતો ન હોવાથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો. પત્ની પણ હાલ અભ્યાસ કરી રહી છે. આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.