રાયપુરા ગામે રાત્રે 6 ફૂટનો મગર મકાનના બારણાં સુધી પહોંચી જતાં લોકોમાં ગભરાટ, વન વિભાગે પાંજરે પૂર્યો

તળાવના કિનારે ધસી આવેલા મગરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા

MailVadodara.com - In-Raipura-village-after-a-6-foot-crocodile-reached-the-door-of-the-house-at-night-the-people-panicked-the-forest-department-closed-the-cage


શહેર નજીક આવેલા રાયપુરા ગામના તળાવના કિનારે મોડી સાંજે ઘસી આવેલા 6 ફૂટ લાંબા મગરને ફોરેસ્ટ વિભાગની ટીમે રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો. મગર પાંજરે પુરાતા ટોળે વળેલા લોકોએ ખોડિયાર માતાની જય બોલાવી હતી, તે સાથે ગામ લોકોએ રાહત અનુભવી હતી.

વડોદરા જિલ્લાના ભાયલી નજીક આવેલા રાયપુરા ગામે ગઈકાલે રાત્રે તળાવ પાસેના એક મકાનની બહાર છ ફૂટનો મગર આવી ગયો હતો. પરિવારજનોનું ધ્યાન જતા તેઓ ગભરાઈ ગયા હતા અને થોડી જ વારમાં લોકોના ટોળા જામ્યા હતા. બનાવની જાણ વન વિભાગને કરાતા ફોરેસ્ટ વિભાગના જીગ્નેશભાઈ પરમાર તુરંત જ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો. રેસ્ક્યુ કરવા માટે જીગ્નેશભાઈ ઉપરાંત પાંચથી છ લોકોની ટીમ કામે લાગી હતી. ભારેખમ વજન ધરાવતા આશરે 6 ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમને પરસેવો પડી ગયો હતો. જોકે આખરે મગરને પાંજરે પૂરીને વન વિભાગ ખાતે લઈ આવવામાં આવ્યો હતો.


મોડી સાંજે તળાવના કિનારે ધસી આવેલા મગરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. ફોરેસ્ટ વિભાગની ટીમે મોબાઈલ ટોર્ચ તેમજ અન્ય અજવાળે મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને પાંજરે પૂર્યો હતો. મગર પાંજરે પુરાતાની સાથે જ ટોળે વળેલા લોકોએ ખોડિયાર માતાની જય બોલાવી હતી. તે સાથે લોકોએ વીડિયો બનાવ્યો હતો.


રાયપુર ગામના તળાવ કિનારે ધસી આવેલા મગરને જોઈને એક તબક્કે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને પાંજરે પૂરવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. નોંધનિય બાબતે એ છે કે, આગામી આવી રહેલા ચોમાસાની ઋતુમાં મગરો નદી તેમજ તળાવના કિનારા ઓળંગીને ખુલ્લી જગ્યામાં આવી પહોંચતા હોય છે. પશુઓનો શિકાર પણ કરતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો ખોરાકની શોધમાં વિશ્વમિત્રી નદીના કિનારા ઓળંગીને આસપાસના ખેતરોમાં અથવા તળાવમાં પહોંચી જતા હોય છે. ક્યારેક મગરો જીવલેણ હુમલા પણ કરતા હોય છે. આવો જ એક મહાકાય મગર વડોદરા નજીક આવેલા રાયપુર ગામના તળાવના કિનારે ધસી આવ્યો હતો. જેના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Share :

Leave a Comments