ફતેગંજમાં સ્માર્ટ મીટરોનું ત્રણથી ચાર ગણું વીજ આવતું હોવાના આક્ષેપો સાથે ગ્રાહકોનો વીજ કચેરી હલ્લાબોલ

સ્માર્ટ વીજ મીટરનો વિરોધ વધ્યો, અકોટા બાદ ફતેગંજમાં સ્થાનિક રહીશોનો હોબાળો

MailVadodara.com - In-Fateganj-the-electricity-office-of-the-consumers-is-in-a-tizzy-with-allegations-that-smart-meters-are-getting-three-to-four-times-the-electricity

- શ્રમજીવી વર્ગ દ્વારા રિચાર્જ કર્યા પછી પણ અનેક ફરિયાદ સાથે હોબાળો

- ૨૦૦૦નું રિચાર્જ બે દિવસમાં વપરાઇ જતાં લોકો લાચાર, અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી


સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં અકોટા સુભાનપુરામાંથી સ્માર્ટ વીજ મીટર બાબતે શરૂ થયેલો હોબાળો હવે ફતેગંજ વીજ નિગમ કચેરીએ પહોંચ્યો છે. ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર મુકવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ મીટર ચાર્જ કરાવવા પડે છે. સરકારની માલિકીની MGVCL દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ફતેગંજ વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા હતા. જે મીટરો દ્વારા વધુ બીલ આવ્યા હોવાનો રહીશોએ આક્ષેપ કરીને ફતેગંજની MGVCL કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. ફતેગંજ વીજ નિગમની કચેરીએ વીજ કનેક્શન કપાઈ જવા સહિત ત્રણ થી ચાર ગણું વીજ આવતું હોવાના આક્ષેપો કર્યા છે.


વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના રહીશોનું ટોળું સ્માર્ટ વીજ મીટરના કારણે લાઈટ બિલ ત્રણથી ચાર ગણું વધી ગયું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક વીજ નિગમની કચેરીએ પહોંચ્યું હતું. વીજબીલની રકમ અંગે ટોળાએ ભારે હંગામો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા વિસ્તારના ભાજપના કાર્યકરો પણ ફતેગંજ વીજ નિગમની કચેરીએ પહોંચી ગયા હતા. જ્યાં એકત્ર ટોળાએ સ્માર્ટ વીજમીટર બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. જેથી ભાજપના કાર્યકરોએ પણ શહેરભરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર બાબતે કમિટી બનાવીને પોતપોતાના વિસ્તારના લોકોના અભિપ્રાય આવી બનાવેલી કમિટીએ લેવા જોઈએ અને ત્યારબાદ ઉચ્ચ સ્તરે આ અંગે રજૂઆત કરીને વિરોધ નોંધાવવો જોઈએ તેવી દલીલ કરી હતી. આમ વીજ બીલના સ્માર્ટ મીટરના વિરોધ બાબતે ઉકાળતો ચરૂ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ વકરે તો નવાઈ નહીં. ભાજપ કાર્યકરોએ આ બાબતે કમિટી બનાવવા અને સામૂહિક નિર્ણય ના આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર નાખવા નહીં તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે. 


વીજ ગ્રાહકોના જણાવ્યા મુજબ, પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરોને કારણે બિલો ત્રણગણા વધી ગયા છે. રોષે ભરાયેલા ટોળાએ નવા સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી હતી. પ્રી-પેઇડ સ્માર્ટ મીટરમાં માત્ર 12 દિવસમાં રૂપિયા 2000 જેટલું ચાર્જિંગ કરવાનો વખત ગ્રાહકોને આવતા ગ્રાહકો ચોકી ઉઠ્યા હતા. અને સ્માર્ટ વીજ મીટર લાઈટનું બિલ બે થી ત્રણ ગણું વધી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત વીજ રિચાર્જ ખતમ થયા બાદ કનેક્શન કાપી નાખવામાં આવે છે. આ સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ એકત્ર સ્થાનિક રહીશોના ટોળાંએ આક્ષેપ કર્યા હતા. વીજ કંપનીના અધિકારીઓ એવો જવાબ આપી રહ્યા છે કે, સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે. તેથી અમે વધુ કંઈ કહી શકીએ નહીં.


સ્થાનિક રહિશોના કહેવા મુજબ સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કરવામાં આવતી નથી. ઘરે આવતી એજન્સી દ્વારા વીજ કનેક્શન ધારક પાસેથી રનીંગ વીજ બીલ માંગી લેવામાં આવે છે અને સ્માર્ટ મીટર લગાવવા બાબતે જાણ કરાય છે. પરંતુ જો કોઈ વીજ બીલ આપવાનો ઇનકાર કરે તો ભવિષ્યમાં તેમને વીજ નિગમ દ્વારા રૂપિયા દસ હજારનો દંડ થશે તેવી ચીમકી પણ એજન્સી દ્વારા અપાતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા.


ઉલ્લેખનીય છે કે, સુભાનપુરા વીજ નિગમ કચેરીએ ત્રણ દિવસ અગાઉ સ્થાનિક રહીશોનું વિશાળ ટોળું પહોંચ્યું હતું. આ વિસ્તારમાં જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે. આવા સ્માર્ટ મીટરના કારણે ત્રણથી ચાર ગણું બિલ વધી ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-1 ના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. આવા સ્માર્ટ વીજ મીટરમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાની આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે. પરંતુ માઇનસમાં વીજબિલ જતું હોવાના કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે પરિણામે ત્રાહિમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થાય છે. 

Share :

Leave a Comments