કારેલીબાગમાં ગેરકાયદે બાંધેલા શેડ, ઓટલા, કમ્પાઉન્ડ વોલ કોર્પોરેશનની ટીમે તોડી પાડ્યા

અંબાલાલ પાર્ક વિસ્તારમાં તથા શ્રીપાદ નગરમાં દબાણ શાખાનો સપાટો

MailVadodara.com - Illegally-constructed-sheds-at-Karelibagh-Otla-were-demolished-by-the-team-of-Compound-Wall-Corporation

- પાલિકાની દબાણ શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાંથી આજે ફુલમાળીના 50 કિલો જેટલા ફૂલોનો જથ્થો કબજે લીધો હતો


નવા વર્ષના પ્રારંભથી જ એક્શનમાં આવેલી કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાંથી ફુલમાળીના 50 કિલો જેટલા ફૂલનો જથ્થો કબજે લીધો હતો. આ ઉપરાંત કારેલીબાગ અંબાલાલ પાર્ક વિસ્તાર સહિત શ્રીપાદ સોસાયટીના રોડના આંતરિક રસ્તે સ્થાનિકોએ કરેલા ગેરકાયદે કાચા પાકા દબાણો ઓટલા, પાળી તથા કંપાઉન્ડ વોલનો સફાયો કરવા બુલડોઝર ફેરવી દીધું હતું ત્યારે તમાશો જોવા લોક ટોળા એકત્ર થયા હતા. પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે દબાણ શાખાની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. 

વડોદરા શહેરના કારેલીબાગના અંબાલાલ પાર્ક વિસ્તારમાં તથા શ્રીપાદ સોસાયટીના આંતરિક રોડના રસ્તે થયેલા ગેરકાયદે દબાણો જેવા કે ઓટલા પાળી, સહિત કમ્પાઉન્ડ વોલ, શેડના દબાણો અંગે છેલ્લા કેટલાય વખતથી વોર્ડ કચેરી અને પાલિકા શાખામાં વારંવાર ફરિયાદો આવતી હતી. આ ઉપરાંત પાલિકાની ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દબાણ શાખાની ટીમ સાથે રાખી કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આસપાસ આડેધડ ફુલના ઢગલા કરીને વાહન ચાલકોને નડતરરૂપ અને રાહદારીઓને અડચણરૂપ થાય એવી રીતે ફૂલમાળીઓ વેપાર ધંધો કરતા હોય છે. જોકે પાલિકાની દબાણ શાખા દ્વારા વારંવારની સૂચના છતાં કાયમી ધોરણે સ્થિતી જૈસે થે રહે છે. પરિણામે દબાણ શાખાની ટીમે રોજ સવારે ફૂલવાળીઓને હટાવવાની કાર્યવાહી કરવા સહિત ફુલનો જથ્થો કબજે કરવાની કાર્યવાહી કરવી પડે છે. આ કાર્યવાહી આજે પણ યથાવત રહી હતી અને 50 કિલો જેટલો ફૂલનો જથ્થો કબજે લઈને માર્કેટ શાખામાં જમા કરાવ્યો હતો.



Share :

Leave a Comments