- શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરી બહાર કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરાયો
શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને થયેલા નુકસાન તથા ભવિષ્યમાં શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે વિશ્વામિત્રી નદીમાં થયેલા ડ્રેનેજના જોડાણો બંધ કરવા વિપક્ષે માગ કરી છે. અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરી બહાર કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતીના કારણે શહેરમાં લોકોને ભારે નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. ત્યારે આ માટે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા ડ્રેનેજના પાણીના જોડાણો બંધ કરવાની માગ સાથે આજે કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું) અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે વિશ્વામિત્રીમાં કરવામાં આવેલા ડ્રેનેજના જોડાણો બંધ કરવા માંગણી કરવામાં આવી હતી. જેમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ઉપનેતા જહાં દેવાઇ, કાઉન્સિલરો બાળુ સુર્વે, હરીશ પટેલ, પુષ્પાબેન વાઘેલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કાર્યકરો દ્વારા પાલિકાની કચેરી કમ્પાઉન્ડમાં પાલિકાના અધિકારીઓ અને ભાજપા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. કાર્યકરો દ્વારા હાય રે ભાજપા હાય હાય... શરમ કરો... શરમ કરો... ભ્રષ્ટાચાર બંધ કરો જેવા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેરમાં તા. 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદના કારણે શહેર પાણીમાં ઘરકાવ થઈ ગયું હતું. તે સાથે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વરસાદ અને પૂરના કારણે લોકોને કરોડોનું નુકસાન થયું છે. વડોદરાને પૂરથી બચાવવું હોય તો વિશ્વામિત્રીમાં કરવામાં આવેલા ડ્રેનેજના જોડાણો બંધ કરવા જરૂરી છે. આમ કરવાથી વડોદરા પૂરથી બચી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોનસુન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. છતાં, વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં શહેરમાં પાણી ભરાઇ જાય છે. વરસાદી કાંસની સફાઇ યોગ્ય રીતે ન થવાના કારણે પાણીનો નિકાલ થતો નથી. ગટરોની સફાઇ થતી નથી. પ્રિમોનસુન કામગીરી કાગળ ઉપર થતી હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર ભાજપના ભ્રષ્ટાચારના પાપે ડૂબ્યું છે. સામાન્ય વરસાદમાં શહેરમાં પાણી ભરાઇ જતું હોય તો પ્રિમોનસુન કામગીરી થઇ નથી. માત્ર ભ્રષ્ટાચાર થયો છે. વરસાદી કાંસ સાંકળા થઈ ગયાં છે. કાંસ અને વિશ્વામિત્રી નદીના કિનારે દબાણો કરી દેવામાં આવ્યા છે. પાણી જવાનો રસ્તો રહ્યો નથી. જેના કારણે લોકોને નુકસાન થયું છે. જે લોકોને વરસાદ અને પૂરના કારણે નુકસાન થયું છે તેઓને પાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માગ છે. પાલિકાના 30 વર્ષના શાસનમાં વડોદરા સ્માર્ટ બન્યું નથી. પરંતુ ભાજપના નેતાઓ સ્માર્ટ થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. તો પ્રિમોનસુન કામગીરીના રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવામાં આવે છે? શું યોગ્ય આયોજનનો અભાવ છે? જ્યારે પણ પાણી ભરાઇ જાય ત્યારબાદ પાલિકામાં મિટિંગો કરવામાં આવે છે. આ મિટિંગો કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે છે ખરું? જેવા સવાલો ઉઠાવતી રજૂઆત વિપક્ષ દ્વારા આપેલા આવેદનપત્રમાં કરવામાં આવી છે.