- વિદ્યાર્થીઓની મોંઘી સાઇકલો ચોરી માત્ર 200થી 1 હજાર રૂપિયામાં વેચી દેતો હતો
- ગાજરાવાડીમાં રહેતા આરોપી શ્રીકાંત સામે સાઇકલ ચોરીના 25 ગુના સહિત કુલ 28 ગુના નોંધાયેલા છે, અને તે 2015થી સાઇકલ ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે
વડોદરા શહેરના જુદાં જુદાં વિસ્તારમાંથી વિદ્યાર્થીઓની ટ્યુશન ક્લાસીસ બહાર રાખેલી સાઇકલોની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો છે. વિદ્યાર્થીઓની મોંઘી સાઇકલો ચોરી કરીને માત્ર 200થી 1 હજાર રૂપિયામાં વેચી મારતો હતો, ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરને ઝડપીને આરોપી ગુંગો સરોજ પાસેથી ચોરી કરેલી 15 સાઇકલ રિકવર કરી છે. આરોપીએ છેલ્લા 15 મહિનામાં 15 સાઇકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. એટલે કે છેલ્લા 15 મહિના દરમિયાન દર મહિને એક સાઇકલની ચોરી કરી છે. આરોપી સામે સાઇકલ ચોરીના 25 ગુનાઓ સહિત કુલ 28 ગુના વડોદરા શહેરમાં નોંધાયેલા છે, ત્યારે આરોપી સામે વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સુચના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અગાઉ સાઇકલ ચોરીના ગુનાઓમાં પકડાયેલા 35 વર્ષીય આરોપી શ્રીકાંત ઉર્ફે ગુંગો છોટેલાલ સરોજ (રહે. ગાજરાવાડી, ઈદગાહ મેદાન સામે)ને શંકાસ્પદ મીરાકી સ્પોર્ટ સાઇકલ સાથે ચોખંડી રોડ પાસેથી ઝડપી પાડયો હતો.
આ બાબતે પોલીસે આરોપીને પૂછપરછ કરતા તેની પાસેથી સાઇકલ અંગેના કોઈ પુરાવા મળ્યા ન હતા અને આ સાઇકલ સમામાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં છેલ્લા 15 મહિનામાં 15 સાઇકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ તમામ 15 સાઇકલ જેની કુલ કિંમત રૂપિયા 44,000ના મુદ્દામાલ સાથે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખસ સામે 3 સાઇકલ ચોરીના સમા પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હોવાથી વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલા આરોપી શ્રીકાંત ઉર્ફે ગુંગો સરોજ વર્ષ 2015થી સાઇકલ ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે. સાથે આ શખસ સામે સાઇકલ ચોરીના 25 ગુનાઓ સહિત કુલ 28 ગુના વડોદરા શહેરમાં નોંધાયેલા છે. આરોપી મોટાભાગે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી ટ્યુશન ક્લાસ બહાર મુકેલ લોક વગરની ઊંચી કિંમતની સાઇકલો ચોરી કરી માત્ર 200 રૂપિયાથી 1 હજારમાં વેચી મારતો હતો.