- દાંડિયાબજાર અને ગાજરાવાડી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક પહોંચી દોઢ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો, કોઇ જાનહાનિ નહીં
ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ખાસવાડી સ્મશાન રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગી હતી. ત્યાર બાદ પાસે રહેલી ગેરકાયદેસર સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફેલાતા અફરા તફરી મચી જવા પામી હતી. આ બનાવને લઇ તાત્કાલિક ફાયરની જાણ કરતા મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના બનાવમાં સ્ક્રેપનો સામાન બળીને ખાક થઈ ગયો હતો અને પાસે રહેલા વાહનો સમયસર હટાવી લેતા મોટું નુકસાન થતાં અટક્યું હતું.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અને આરાધના સિનેમા પાસેથી પસાર થતા ખાસવાડી સ્મશાન રોડ પર આવેલ જય માતાજી ટ્રેડર્સ રીપેરીંગ નામના ગોડાઉનમાં સ્ક્રેપના સામાન સાથે ગાડીઓ મુકેલી હતી. અહીંયા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગી હતી અને તે આ ગેરકાયદેસર સ્ક્રેપના ગોડાઉન પાસે પહોંચતા અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવને લઇ દાંડિયાબજાર ફાયરને કોલ મળતા તાત્કાલિ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ હોવાથી ગાજરાવાડી ફાયર વિભાગને પણ બોલાવવામાં આવી હતી.
આ અંગે સ્ટેશન ફાયર ઓફિસર દિગ્વિજય પરમારે જણાવ્યું હતું કે, આગનો કોલ મળતાની સાથે અમારી ટીમ તાત્કાલિક પહોંચી હતી. અહીંયા કચરાના ઢગલામાં આગ લાગી હતી, પરંતુ બાજુમાં રહેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ પહોંચતા વધુ ફેલાઈ હતી. આ બનાવને લઇ દાંડિયાબજાર અને ગાજરાવાડી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક પહોંચી દોઢ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અહીંયા રહેલ સ્ક્રેપનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો. સાથે એક ગાડીમાં આગ પણ પકડી હતી, પરંતુ બધુ જ ગાડીઓને સાઈડ કરતા મોટું નુકસાન થતા અટક્યું હતું.
ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવી આ સ્ક્રેપના ગોડાઉન અંગે વિગતો મેળવતા તેના ગોડાઉન માલિક પાસે પુરાવા ન હોવાનું સામે આવ્યું છે. આ બાબતે હાલમાં ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા આસપાસ મોટા ભાગે આ જ રીતે સ્ક્રેપના ગોડાઉન અને રીપેરીંગની દુકાનો આવેલી છે. એટલે અહીંયા જો ફાયર વિભાગ તાત્કાલિક ન પહોંચ્યું હોત તો અન્ય જગ્યાએ પણ આગ ફેલાવાની શક્યતાઓ રહેલી હતી. બનાવને પગલે કોઇ જાનહાનિ થઇ ન હતી.