- બુટલેગરને પકડવા પોલીસે કુરિયર કંપનીના કર્મચારી બનીને વોચ ગોઠવી પાર્સલ લેવા આવેલા બંટી યાદવને કોર્ડન કરી ઝડપી પાડ્યો
વડોદરા શહેરમાં દવાઓના પાર્સલની આડમાં કુરીયરથી મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યાં છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પર ઇન્દુ ફાયર સેફ્ટી પાછળ કુરીયર ડિલીવરી કરતી કંપનીની ઓફિસમાં પુઠાના પાંચ મોટા બોક્ષના પાર્સલ ડિલીવરી માટે આવ્યા છે. આ પાંચેય પાર્સલો વજનદાર અને શંકાસ્પદ છે. આ કુરીયર કંપનીમાં આ પાર્સલ મોકલનાર વ્યક્તિએ તે પોતે લોકેશન મોકલે તે લોકેશન ઉપર પાર્સલોની ડિલીવરી કરવા માટે જણાવેલ હોવાની માહિતી મળી હતી. જેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ કુરીયરની ઓફિસે પહોંચી ગઈ હતી.
પાર્સલમાં આવેલ પાંચ મોટા બોક્ષ શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. આ કુરીયર કંપનીને આ પાંચેય પાર્સલ ડિલીવરી કરવા માટે જગ્યાનું લોકેશન મોકલેલ હોવાથી આ અંગે ક્રાઇમ બ્રાન્ચે બતાવેલી જગ્યાએ પાર્સલ લેવા માટે આવનાર ઇસમ માટે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ મુજબ કુરીયર કંપનીથી આ પાર્સલ જણાવેલી જગ્યાએ મોકલી આપવા ટેમ્પામાં પાર્સલ મૂકીને ટેમ્પા સાથે ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ રવાના થયા હતા.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટેમ્પોના પાછળ રહી પીછો કરી રહી હતી. આ ટેમ્પો આપેલા લોકેશન મુજબ કરોડિયા રોડ-લક્ષ્મીનગર સોસાયટી પાસે પહોંચ્યો, ત્યારે ત્યાં એક ઇસમ આવીને ટેમ્પોના ડ્રાઇવર સાથે વાત કરતો હતો. તે પોતે આ પાર્સલો લેવા માટે આવેલ ઇસમ જણાઈ આવ્યો હતો. આરોપી બંટી ઘનશ્યામ યાદવ (રહે. રમેશનગર, જવાહરનગર, વડોદરા, મૂળ રહે. ઈટાવા, યુ.પી.)ને કોર્ડન કરી પૂછપરછ કરી હતી. જેથી તેને કલીમ ઉર્ફે ખાલીદ શેખે ફોન કરીને તેમના દવાના પાર્સલો લક્ષ્મીનગર સોસાયટી સામે બાજવા-કરોડીયા રોડ પર આવેલ હોય તે પાર્સલો ટેમ્પામાંથી ઉતારી લેવા માટે જણાવેલ હોવાથી તે પોતે આ પાર્સલો મેળવવા આવેલ હોવાનું જણાવ્યું હતું. આ પાર્સલો લેવા માટે આવેલ ઇસમને સાથે રાખી આવેલા પાંચેય પાર્સલોમાં જોતા 79,600 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખાલિદ શેખને વોન્ટેડ જાહેર કરી દારૂના જથ્થાને અને ટેમ્પાને જપ્ત કર્યો હતો. પોલીસે વોન્ટેડ જાહેર કરેલ આરોપી ખાલિદ શેખ અને વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.