- પીસીબી પોલીસે સ્થળ પરથી 40 પેટી વિદેશી શરાબનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને 6,36,000નો મુદ્દામાલ કબ્જે લીધો
વડોદરા શહેરમાં બુટલેગરો શરાબનો જથ્થો સંતાડવા માટે અવનવી તરકીબો અપનાવે છે. ફતેગંજ વિસ્તારમાં DJના સ્પીકરની અંદર સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો શહેર પીસીબી શાખાએ ઝડપી પાડ્યો હતો.
શહેર પીસીબી શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે, ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા સ્લમ ક્વાર્ટરસમાં રહેતો પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીએ પોતાના બીજા ઘરમાં ભોંયરૂ બનાવીને તેમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખેલો છે. શરાબની સાથે ડીજેનો વ્યવસાય પણ કરતો હોય. સ્પીકર સહિતનો સામાન કોન્વેન્ટ સ્કૂલની પાછળ ઊર્મિ એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો છે. જે DJના સ્પીકરો સાથે પણ શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે.
બાતમીના આધારે પીસીબી શાખાની ટીમે દરોડો પાડતા કોન્વેન્ટ સ્કૂલની પાછળના ઊર્મિ ફ્લેટમાં DJના સ્પીકરોની અંદર શરાબનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. આ સાથે ફ્લેટમાં પાર્ટીશન વોલ સાથે બીજી એક દીવાલ બનાવીને ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.
પીસીબી પોલીસે સ્થળ પરથી 40 પેટી વિદેશી શરાબનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને 6,36,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. બુટલેગર પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીની ધરપકડ કરીને પવન, રવિ અને માહિડા નામના ત્રણ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.