વડોદરામાં જળબંબાકારની સ્થિતિ, માર્ગો નદીઓમાં ફેરવાયા, પાણી ઘરોમાં ઘૂસ્યા, ઘરવખરીને નુકસાન

4 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટી પાણીમાં, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

MailVadodara.com - Flood-situation-in-Vadodara-roads-turned-into-rivers-water-entered-houses-house-damage

- સ્કૂલવાન અને સ્કૂલ ઓટો માર્ગોમાં અટવાઈ, ડ્રેનેજના દૂષિત પાણી લોકોના ઘરમાં ઘૂસ્યાં, લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ


ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને ધમરોળ્યા બાદ આજે સવારથી મેઘરાજાએ વડોદરા શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવાનુ શરૂ કર્યું છે. ચાર કલાકમાં 4 ઇચ વરસાદ ખાબકતા “ સ્માર્ટ સિટી વડોદરા” પાણીથી તરબતર થઇ ગઇ છે. શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા છે. વોટર લોગીનના કારણે સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. વડોદરામાં મેઘો સાબેલાધારે વરસી રહ્યો છે.


હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આપવામાં આગાહીના પગલે આજે વહેલી સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં 4 ઇંચ (100 મીમી) વરસાદ વરસ્યો છે. તે જ રીતે જિલ્લાના શિનોર તાલુકામાં પણ 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.


વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર વોટર લોગીનના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. તેવી જ સ્થિતિ સોસાયટી વિસ્તારોમાં પણ સર્જાઇ છે. પાણીનો નિકાલ ન થવાના કારણે ડ્રેનેજ દૂષિત પાણી લોકોના ઘરમાં પ્રવેશી ગયા છે. લોકોને પોતાનો માલ સામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી રહી છે. નિચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ભારે હાલાંકી પડી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સ્માર્ટ સિટી વડોદરા પાણી તરબતર થઈ ગયુ છે.


વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના માંડવી લહેરીપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, ગોત્રી, સેવાસી, માંજલપુર, સહિતના તમામ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે નાના-મોટા અનેક વેપારીઓ પોતાના વેપારની દુકાનો બંધ કરીને ઘરે આવવાની શરૂઆત કરી દીધી છે.


વહેલી સવારથી મૂશળધાર વરસી રહેલા વરસાદને પગલે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભરાઈ ગયેલા પાણીના કારણે વહેલી સવારે સ્કૂલમાં ગયેલા બાળકો અને વિદ્યાર્થીઓને લાવતી સ્કૂલવાન અને સ્કૂલ ઓટો માર્ગોમાં અટવાઈ પડી હતી. સમયસર સ્કૂલ ઓટો અને વાન ઘરે નઆવતા વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. સતત વરસી રહેલા વરસાદને પગલે વડોદરાનું જનજીવન થંભી ગયું છે. ભારે વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં ફૂટપાથવાસીઓ અને ઝૂપડાવાસીઓ દયનિય સ્થિતીમાં મૂકાઇ ગયા છે.


વડોદરા શહેરની સાથે શિનોર તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા છે. શિનોર પંથકનું જનજીવન પણ ઠપ થઈ ગયું છે. નાળા છલકાઈ જતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. શિનોરને જોડતા અનેક માર્ગો ઉપરનો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદને પગલે શિનોર પંથકના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. શિનોર નગરમાં પણ માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કરજણ અને પાદરા પંથકમાં પણ દોઢ જેટલો વરસાદ ખાબકતા જનજીવન ઉપર માઠી અસર પહોંચી છે, આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ હતો.

Share :

Leave a Comments