- ફાઇનલ આન્સર કી માં પ્રશ્ન નં. 64, 67 અને 152 રદ કરાયો, જ્યારે પ્રશ્ન નંબર 63 અને 104 ના રિવાઈઝડ જવાબ મૂકવામાં આવ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.8 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
આ અગાઉ પ્રસિદ્ધ કરેલી પ્રોવિઝનલ આન્સર કી ના જવાબ સામે ઓનલાઇન વાંધા સુચન તારીખ 19 ઓક્ટોબર સુધી મંગાવવામાં આવ્યા હતા. વાંધા સૂચનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. 200 માર્કસની આ પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવી હતી. ફાઇનલ આન્સર કી માં પ્રશ્ન નંબર 64, 67 અને 152 રદ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રશ્ન નંબર 63 અને 104 ના રિવાઈઝડ જવાબ મૂકવામાં આવ્યા છે.
આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવાઈ હતી. પરીક્ષા 1,09,307 ઉમેદવારો આપવાના હતા, પરંતુ પરીક્ષામાં માત્ર 41.41% જ હાજરી જોવા મળી હતી એટલે કે આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64,038 ગેરહાજર હતા. આ પરીક્ષામાં 9,400 થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જેઓને રૂપિયા 22 લાખથી વધુની પરીક્ષા ફી કોર્પોરેશન પરત આપી દેવાની છે. આવા ઉમેદવારો પાસેથી કોર્પોરેશને તેઓના બેન્ક એકાઉન્ટની વિગતો પણ મંગાવી છે.