વડોદરા મહાનગરપાલિકામાં રાજ્ય સરકારની સો ટકા ગ્રાન્ટ આધારિત આરોગ્ય શાખાની વિવિધ 7 વિભાગોમાં 162 જગ્યા માટે 17 ડિસેમ્બર 2023ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાની ઓફિશિયલ અન્સાર કી પાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત 17 ડિસેમ્બરે આરોગ્ય શાખા અંતર્ગત U-CHC અને U-PHC આધારિત મેડીકલ ઓફીસર, એકસ-રે-ટેકનીશીયન, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ પર આજે મૂકવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખા અંતર્ગત વિવિધ 7 વિભાગની 162 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અંગે પરીક્ષા યોજાઈ હતી. આ ભરતી પ્રક્રિયામાં કુલ 123 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 36,546 ઉમેદવાર પરીક્ષા માટે નોંધાયા હતા. આ પરીક્ષાના એક મહિના બાદ આજે પાલિકાની ઓફિશિયલ વેબસાઈટ પર આન્સર કી મુકવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા અંગે વડોદરા મહાનગરપાલિકા વહીવટી અધિકારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ભરતી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ જણાઈ નથી. નાલંદા વિદ્યાલયમાં થયેલ પરીક્ષા ઓએમઆર બાબતે વિદ્યાર્થીઓની ભૂલ હતી અને તે સ્પષ્ટ થયું હતું. બાદમાં કોઈ પણ પ્રકારની રજુઆત ન મળતા આખરે આ પરીક્ષાની ફાઈનલ અન્સાર કી જાહેર કરવામાં આવી છે.