ડભોઇ સ્થિત બેન્ક ઓફ બરોડાના 3 ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા 11.33 લાખની ઉચાપત, ધરપકડના ચક્રોગતિમાન

બેંક દ્વારા બોગસ સહિઓવાળા ચેક કેવી રીતે પાસ કરાયા તે એક તપાસનો વિષય

MailVadodara.com - Extortion-of-Rs-11-33-lakh-from-the-accounts-of-3-customers-of-Dabhoi-based-Bank-of-Baroda

- ડભોઇ પોલીસે ફરિયાદના આધારે ખાતાધારકોની બોગસ સહી કરનાર ચાર લોકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા શાખાના ત્રણ એકાઉન્ટ ધારકોના ખાતામાંથી રૂપિયા 11.33 લાખની ઉચાપત થઇ હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ખાતાધારકોની બોગસ સહી કરનાર ચાર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

મળેલી માહિતી પ્રમાણે ડભોઇ ઝારોલા વગામાં રહેતા 62 વર્ષના અતુલ નવનીત ગાંધી વેપાર કરે છે. તેમણે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડભોઇ બેંક ઓફ બરોડામાં તેઓ આદર્શ નિકેતન સંગીત વિદ્યાલય નામે ખાતુ ધરાવે છે. તે જ રીતે રમણીકલાલ રતિલાલ શાહ, ગીતાબેન રમણીકભાઈ શાહ, શર્મિષ્ઠાબેન કૃષ્ણલાલ શાહ પણ પોતાનું ખાતું ધરાવે છે.

ગાંધીનગર સિલિકોટા વિસ્ટામાં રહેતા સંદીપકુમાર અને એસ.કે. એન્ટરપ્રાઇઝના માલિક તેમજ કરણકુમાર દીપકભાઈ ભટ્ટ અને કેતુ એક્ઝીમ પ્રાઇવેટ લિમિટેડના માલિકે યેનકેન પ્રકારે ત્રણેય એકાઉન્ટ ધારકોના ચેક મેળવી લીધા હતા. ખાતાધારકોની જાણ બહાર તેમની ખોટી સહી કરી તેમાં ખોટી રકમ લખી અને ત્રણેયના ખાતામાંથી 1 સપ્ટેમ્બર 2023થી 16 ડિસેમ્બર 2023 દરમિયાન ટુકડે ટુકડે રૂપિયા 11,35,000 ઉપાડીને ઉચાપત કરી હતી.

ઉલ્લેખનીય બાબત એ છે કે, બેંક દ્વારા બોગસ સહિઓવાળા ચેક કેવી રીતે પાસ કરી દીધા તે એક તપાસનો વિષય છે. જો આ બાબતે તપાસ કરવામાં આવે તો અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવ અંગે ડભોઇ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓની ધરપકડ બાદ અને તેમની તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવશે.

Share :

Leave a Comments