- ગમખ્વાર અકસ્માતની જાણ થતાં શિનોર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો, ફરાર ઇકો કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સેગવા ચોકડીથી શિમળી ગામ નજીક મુખ્ય માર્ગ પર શિનોર તરફથી પુરઝડપે આવતી એક ઇકો કારચાલકે બાઈકચાલક અને મોપેડચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ સવાર બે યુવાનોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બાઇક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સેગવા ચોકડીથી શિમળી ગામ નજીક મુખ્ય માર્ગ પર શિનોર તરફ થી પુરઝડપે આવતી એક ઇકોના કાર ચાલકે મોટર સાયકલ અને મોપેડ ચાલકને અડફેટે લેતા મોપેડ પાછળ સવાર શિમળી ગામ 19 વર્ષીય તુષાર લાલજીભાઈ વસાવા અને અક્ષય સોમાભાઈ વસાવાનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું, જયારે મોટરસાયકલ પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્તોને મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતની જાણ શિનોર પોલીસને કરતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા તુષાર વસાવા અને અક્ષય વસાવાના મૃતદેહને મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ઇકો કાર ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયેલ ઇકો કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.