- કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કર્યા પછી પણ ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલુ નથી, સ્કૂલમાં ભણાવવાવાળા શિક્ષકની લાયકાત ઓછી
- આચાર્ય-ટ્રસ્ટી પર પગલાં નહીં ભરાય તો ચક્કાજામ કરી વિરોધ કરવાની ચીમકી
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી MES અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ચાલી રહેલી ગેરરીતિને લઈને NSUI દ્વારા આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરીને આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
NSUIએ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, યાકુતપુરા ખાતે આવેલી એમ.ઈ.એસ. અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ચાલી રહેલી ગેરરીતિ જેમ કે, બાલવાડીથી લઈને ધો-12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો પહેલા સ્કૂલના આચાર્ય ઇન્ટરવ્યૂ લે તેના પછી તેને તે વર્ગમાં એડમિશન મળે છે. સાથે સાથે સ્કૂલમાં ભણાવવાવાળા શિક્ષકની લાયકાત ઓછી હોવા છતાં પણ એમની ભરતી કરવામાં આવી છે.
એક ધોરણના સેક્શનની મંજૂરી પર 2 થી 3 સેક્શન વધારે ચલાવે છે. વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કર્યા પછી પણ કોમ્પ્યુટર ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલુ નથી. ઘણાં બધાં કારણોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો એન.એસ.યુ.આઈ.ની માગ છે કે, તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટી પર પગલાં લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય.
NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે અમે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે, એમ.ઈ.એસ. સ્કૂલ સહિતની તમામ સ્કૂલો કે, જે FRCના નિયમો પ્રમાણે ફી ના લેતી હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો તેમની સામે કડક કાર્યવાહી નહીં થાય તો અમે સાથે મળીને ઉગ્ર આંદોલન કરીશું. જરૂર પડશે તો રોડ પર ચક્કાજામ કરીને પણ વિરોધ કરીશું.
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, NSUI દ્વારા આજે સ્કૂલ સામે રજૂઆત કરવામાં આવી છે, જેને લઈને સ્કૂલમાં તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે તો નોટિસ આપીને સ્કૂલ પાસે ખુલાસો માગવામાં આવશે. સ્કૂલને જે સુધારા સૂચવવાના હશે તે સુધારા પણ સૂચવવામાં આવશે.