- ડે. કમિશનર ને સ્થાયી સમિતિમા બોલાવવાના જાગૃતિ કાકાના આગ્રહ સામે મ્યુ. કમિશનરે મચક ના આપી..!
- સ્થાયી સમિતિના સભ્યોએ દરખાસ્ત મંજુર કરવા સહી ના કરી
વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમા મહિલા કાઉન્સિલરે ગંદકીના મુદે ડે. મ્યુ. કમિશનર આડી વાત કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. છેવટે સ્થાયી સમિતિના સભ્યોએ વિરોધ કરતા બેઠક મુલત્વી કરવાની ફરજ પડી હતી.
વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસથી શિસ્ત કાગળ પર રહી ગયું છે. કોંગ્રેસ જેને પક્ષની લોકશાહી કહે છે એ જ પરિસ્થિતિ હવે ભાજપમાં જોવા મળે છે. વોર્ડ નં ૧૩ ના ભાજપના ફાયર બ્રાન્ડ મહિલા કાઉન્સિલર જાગૃતિબેન કાકાનું માનીયે તો તેમના વિસ્તારમાં ગંદકી ની રજુઆત કરવા ડે. મ્યુનિસિપલ કમિશનર ભાવનાબેન પાસે ગયા હતા. જો કે ભાવનાબેને સફાઈ કરતા પહેલા શરત મુકી હતી કે સફાઈ થયા પછી કોઈ ગંદકી નહીં કરે એની ખાત્રી આપો તો સફાઈ કરાવી આપું. ડે. મ્યુ. કમિશનરનો જવાબ સાંભળી ડઘાઈ ગયેલા જાગૃતિ કાકાએ આજે સ્થાયી સમિતિની બેઠકમાં રજુઆત કરી હતી.
જાગૃતિ કાકાની રજુઆત દરમ્યાન ડો. શીતલ મિસ્ત્રી ફોનમાં વ્યસ્ત હતા. આ દરમ્યાન તેમના જ વોર્ડના સાથી મહિલા કાઉન્સિલર હેમીષા ઠક્કરે ડો. શીતલ મિસ્ત્રી ને ટોક્યા હતા કે જાગૃતિબેન રજુવાત કરે છે તો સાંભળો તો ખરા.
ભાવનાબેનને સ્થાયી સમિતિમા બોલાવવાના આગ્રહ સામે મ્યુ. કમિશનર દિલીપ રાણાએ મચક આપી ન હતી. જાગૃતિબેનની રજુવાત બાદ તમામ સભ્યોએ સભામાં આવેલી દરખાસ્તમાં સહી કરવાનો ઇન્કાર કર્યો હતો.
બીજી તરફ સ્થાયી સમિતિમા થયેલા હોબાળાને કોંગ્રેસ આંતરિક જૂથબંધીનો બોલતો પુરાવો ગણાવે છે.
પ્રજાના કામો માટે મળતી સ્થાયી સમિતિમા આંતરિક જૂથબંધી અને વિવાદે કહેવાતા શિસ્ત સામે સવાલો ઉભા કર્યા છે.