ઓટોરીક્ષામાં પેસેન્જર બની ચેઇન-મંગળસૂત્રની ચોરી કરનાર ફરાર વોન્ટેડ મહિલાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી

આરોપી મહિલા પાસેથી સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સહિત 8 દાગીના મળી આવ્યા

MailVadodara.com - Crime-branch-nabs-fugitive-wanted-woman-who-stole-chain-mangalsutra-as-passenger-in-autorickshaw

- મહિલાની ધરપકડ સમયે હાથ લાગેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું, ક્રાઇમ બ્રાન્ચે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

- વડોદરાના સમા, હરણી, પાણીગેટ, મકરપુરા, માંજલપુર, ગોરવા, વાડી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે, આ તમામ પોલીસ મથકમાં મહિલા વોન્ટેડ છે


વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે ઓટોરીક્ષામાં પેસેન્જર બનીને ઠગાઈ કરતી ફરાર મહિલાની ધરપકડ કરી લીધી છે. આ મહિલા 3 વર્ષથી ફરાર હતી, જેને આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી છે. આ આરોપી મહિલા ઓટોરિક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેઇન-મંગળસૂત્રની ચોરી કરી ફરાર થઈ જતી. અગાઉ પણ અનેક ગુનાઓમાં મહિલા ચોરની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ચેઇન સ્નેચિંગ અને ચીલઝડપના ગુનાઓ કરતા આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલ બાતમીના આધારે મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખીને આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને ઠગાઇના આઠ ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી ગીતાબેન શૈલેષભાઇ વિનુભાઇ વાઘેલા (દંતાણી) (ઉ.વ.31 રહે. મહેમદાવાદ કુંભારખાડ તળાવ પાસે જીઇબી ઓફીસ પાસે તા.મહેમદાવાદ જી.ખેડા)ને ઝડપી પાડી છે. આ ચોર મહિલા પાસેથી જુદી-જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સહિત કુલ 8 દાગીના મળી આવ્યા છે.


આ મહિલા આરોપી પૂછપરછ દરમિયાન મહેમદાવાદ ખાતે રહેતા જુદા-જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટોરીક્ષામાં તેમજ મોપેડ પર વડોદરામાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટોરીક્ષામાં બેસાડી વાતોમાં પરોવી ઓટોરીક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવી પેસેન્જર મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તથા મંગળસૂત્રને કાઢી લેતી હતી. ધરપકડ સમયે હાથ લાગેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે. આ આરોપી મહિલા પાસેથી મળી આવેલ સોનાની ચેઈન અને મંગળસૂત્રની તપાસ કરતાં આ તમામનું વજન 113 ગ્રામથી વધુ હોવાનું અને તમામની કુલ કિંમત રૂપિયા 5,53,250ના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી છે.

આ આરોપી મહિલા વડોદરાના સમા, હરણી, પાણીગેટ, મકરપુરા, માંજલપુર, ગોરવા, વાડી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે. આ તમામ પોલીસ મથકમાં મહિલા વોન્ટેડ છે. આ આરોપી ગીતાબેન વાઘેલા અગાઉ આણંદ જીલ્લાના વલ્લભવિધ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં ચોરીના ગુન્હામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે.

Share :

Leave a Comments