- છાણી કેનાલ રોડ પર આવેલા એલમ્બિક વેદામાં રહેતો 36 વર્ષના સમ્યક ગાયકવાડ મિત્રો સાથે દેણા ગામે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો
વડોદરા શહેરના નજીકના દેણા ગામે ક્રિકેટ રમતા રમતા છાણી કેનાલ રોડ પર એલમ્બિક વેદામાં રહેતા યુવકની અચાનક તબિયત લથડી હતી અને તે મેદાન પર જ બેભાન થઈ ઢળી પડ્યો હતો. બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના લાતપુર ગામના વતની અને હાલ છાણી કેનાલ રોડ પર એલમ્બિક વેદામાં રહેતા 36 વર્ષના સમ્યક હનુમંતરાવ ગાયકવાડ ગતરાત્રે 10 વાગ્યે કંપનીમાં નોકરી કરી મિત્રો સાથે દેણા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. બધા મિત્રો ક્રિકેટ રમતા હતા ત્યારે સમ્યકની અચાનક તબિયત બગડી હતી અને જમીન ઢળી પડી સૂઈ ગયો હતો. તેમની સાથે ક્રિકેટ રમનારા મિત્રો તેમને બેભાન હાલતમાં અમિતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવને લઈ મિત્રો અને પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં મંજુસર પોલીસ દ્વારા યુવકના પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યુવકના મોત અંગે સાચું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ રમત રમતા તબિયત બગડતા તેને હાર્ટ એટેક આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે.
આ બનાવને લઈ પરિવાર કે મિત્રો કઈ બોલવા તૈયાર નથી. જોકે, પરિવારના એક સગાએ જણાવ્યું હતું કે, મિત્રો સાથે ક્રિકેટ રમતા અચાનક તબિયત લથડતા આ બનાવ બન્યો હતો. પરિવારમાં પત્ની અને એક બાળક છે જે ખૂબ નાનું છે. હાલમાં આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.