- નવા બજારમાં સન્નાટો છવાઇ ગયો, મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસ કાફલો દોડી ગયો, બંને જૂથે એકબીજા પર આક્ષેપ મૂકી ફરિયાદ નોંધાવી
- દુકાનમાં પથ્થરમારો કરી નુકશાન પહોંચાડ્યું, લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી
વડોદરાના કરજણ નગરમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મોડી સાજે ધીંગાણુ થયું હતું. જૂની અદાવત અને ધંધાની હરીફાઇમાં બે જૂથો વચ્ચે પાઇપો ઉછળી હતી. જેમાં એકથી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ હુલ્લડમાં એક જૂથે દુકાનમાં પથ્થરમારો કરી નુકશાન પહોંચાડ્યું હતું. આ બનાવના પગલે નવા બજારમાં સન્નાટો છવાઇ ગયો હતો. મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવમાં બંને જૂથે એકબીજા પર આક્ષેપ મૂકી ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે બંને જૂથના 7 જેટલા વ્યક્તિઓ સામે હુલ્લડનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મોડી સાંજે બનેલા આ બનાવમાં કરજણ નવા બજારમાં સાંઇસુધા સોસાયટીમાં રહેતા અને નવા બજાર એસ.ટી.ડેપો પાસે બાપુ ચિકન નામની દુકાન ધરાવતા 63 વર્ષીય સજાદહુસેન આબેદઅલી સૈયદે કરજણ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, મોડી સાંજે હું મારી બાપુ ચિકન દુકાને હાજર હતો. તે સમયે મારી દુકાનથી થોડે દૂર વશીમ પીરુભાઈ કુરેશીની સુલતાન ચીકનની દુકાન આવેલી છે. આ વશીમભાઇ સાથે ધંધાની હરિફાઇ ચાલે છે તેમજ થોડા સમય પહેલા અમારા સબંધીની યુવતીને વશીમભાઈના કુટુંબી ભગાડીને લઈ ગયેલ હતા જેની અદાવત રાખી વશીમ પીરુભાઈ કુરેશી સ્ટીલની પાઇપ લઈને મારી દુકાને ધસી આવ્યો હતો.
વધુમાં જણાવ્યું છે કે, સ્ટીલની પાઇપ લઈને દુકાને ધસી આવેલ વશીમ કુરેશી ગાળો બોલવા લાગ્યો હતો અને મારા નોકર નાઝીર હુસેનને મારવા લાગ્યો હતો. ઉપરાંત તેના પરિવારના સભ્યો પણ આવી પહોંચ્યા હતા અને દુકાનના શટર પર પથ્થર મારો કરી નુકશાન પહોંચાડ્યું હતું અને નોકરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કરજણ પોલીસે ફરિયાદના આધારે શૌકતભાઈ પીરુભાઈ શેખ, અમાનભાઇ શૌકતભાઇ શેખ, સફન શૌકતભાઈ શેખ, તબસુમબાનુ વશીમભાઈ પીરુભાઈ કુરેશી તથા અરેફાબાનુ સબ્બીરભાઇ કરીમભાઈ કુરેશી વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી બાજુ અમાન સૌકતભાઇ શેખે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે સજાદહુસેન આબેદઅલી સૈયદ, સાહિદહુસેન સજાદહુસેન સૈયદ, નઇમહુસેન સજાદહુસેન સૈયદ, નઝીરહુસેન આબેદઅલી સૈયદ અને અંજુમ લતીફભાઇ મેમણને શંકા હતી કે, હું તેઓની દુકાને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને લઇને ગયો હતો. જેની અદાવત રાખીને સૈયદ પરિવાર પાવડો અને પાઇપ લઇ આવી હુમલો કર્યો હતો અને ગડદાપાટુનો માર મારી ફરાર થઇ ગયા હતા. કરજણ પોલીસે આ બનાવમાં ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.