શહેરમાં ચૈત્રી નવરાત્રિ અને ગુડી પડવાની ઉત્સાહભેર ઉજવણી, માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતાં સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

MailVadodara.com - City-celebrates-Chaitri-Navratri-and-Gudi-Pada-with-enthusiasm-devotees-flock-to-Matajis-temples

- કારેલીબાગ બહુચરાજી માતાના શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરોમાં કતારો લાગી


જય માતાજીના નાદ સાથે આજથી મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતાં શહેરના સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તો બીજી બાજુ શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉજવણી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, બુધવારે સિંધી સમાજના ચેટીચાંદ પર્વ સાથે નવા વર્ષનો પ્રારંભ થશે. શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષને ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


આજથી મા શક્તિની ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રિની શરૂઆત થતાં, શહેરના એમ.જી. રોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ શ્રી અંબા માતાના મંદિર સહિત કારેલીબાગ ખાતે આવેલા શ્રી બહુચરાજી મંદિર, પાદરા તાલુકાના રણુ ખાતે આવેલા તુળજા ભવાની મંદિર સહિત શહેરમાં આવેલા નાના-મોટા માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સાવરથી જ દર્શન માટે ભારે ઘસારો રહ્યો હતો. મંદિરોમાં શ્રદ્ધાળુઓની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. માંડવી નજીક આવેલા અંબા માતાના મંદિરે ભવ્ય સજાવટ કરવામાં આવી છે. છેક માંડવી દરવાજા સુધી ચૂંદડી, શ્રીફળ, ફૂલહાર અને કમળની દુકાનો લાગી ગઈ છે. મંદિર ખૂલે એ પહેલા જ દર્શન ઝંખતા ભક્તોની લાઈન લાગી હતી. આ વિસ્તારમાં મહાકાળી મંદિર અને માંડવીની માં મેલડીના ધામો આવેલા છે. નવરાત્રી પર્વે આ આખો વિસ્તાર જાણે કે માઈ ધામ બની ગયો છે.


એમ.જી. રોડ સ્થિત અંબાજી મંદિર, કારેલીબાગ બહુચરાજી મંદિર અને પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત તુળજા ભવાની મંદિર બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. પ્રસાદ, ચુંદડી, કંકુ જેવી માતાજીના શણગાર માટેની ચિજવસ્તુઓના વેચાણ માટે પાથરણા અને હંગામી દુકાનો સવારથી જ લાગી ગઇ હતી.

માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ન જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. આમ છતાં એમ.જી. રોડ ઉપર સવારથી ટ્રાફિક જામની શરૂઆત થઇ ગઇ હતી. નવ દિવસ આ રોડ ઉપરથી પસાર થવું લોકો માટે મુશ્કેલ થઇ જશે.

રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગના બહુચરાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યા છે. અહીં પ્રાચીન મંદિરનો તાજેતરમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને મંદિરની ભવ્યતા વધી છે. આજે ગુડી પાડવા પર્વને લઈને ગુડી ચઢાવવાની પવિત્ર રસમ અનુસરવામાં આવી હતી. અહી પણ દુકાનો મંડાતા મેળા જેવું દૃશ્ય સર્જાયું છે.


ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે મહારાષ્ટ્રીયન સમાજ ગુડી પડવાથી નવા વર્ષની ઉજવણી કરે છે. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઘરની બહાર ગુડી તૈયાર કરીને લગાવામાં આવે છે. તેની શ્રદ્ધા પૂર્વક પૂજા-અર્ચના કરી નવા વર્ષની ઉજવણી કરાય છે. નવા વર્ષની એકબીજાને શુભેચ્છા આપે છે. જોકે આજે ભક્તોમાં એનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બુધવારે સિંધી સમાજનો પવિત્ર પર્વ ચેટી ચાંદ હોવાથી શહેરમાં બહુવસ્તી ધરાવતા વારસીયા વિસ્તારમાં ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વારસીયા વિસ્તારને ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. ચેટીચાંદ નિમિત્તે શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Share :

Leave a Comments