- વિરોધ પક્ષમા હોવા છતાં માંજલપુરનો અવિરત વિકાસ કર્યો અને પ્રજાના દિલમાં પરિવારજનની જગ્યા બનાવી
વડોદરાના રાજકારણમાં સફળતા શિખરો સર કરનાર પીઢ અને અનુભવી નેતા ચિરાગ ઝવેરી હવે આપણા વચ્ચે રહ્યા નથી. તેમના અકાળે મૃત્યુએ વડોદરા વાસીઓને હચમચાવી મુક્યા છે. અમેરિકાથી તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને આવશે ત્યારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
વડોદરા શહેરમાં પોતાની ઓળખ થી ઓળખાય એવા નેતા કેટલા? આ પ્રશ્ન જો પૂછવામાં આવે તો જવાબ મળશે આંગળીના વેઢે ગણી શકાય એટલા..અને એમાં આગલી હરોળમાં નામ આવે ચિરાગ ઝવેરી. ચિરાગ ઝવેરી પ્રજા પ્રિયનો પર્યાય બની ગયા હતા.
વર્ષ ૧૯૫૭ માં ૧૪ ઓગસ્ટના રોજ જન્મેલા ચિરાગ ઝવેરીએ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. રાજકારણ ને કારકિર્દી બનાવવા ચિરાગ ઝવેરીએ કોલેજ કાળથી જ તનતોડ મહેનત કરી. લોકોના પ્રશ્નોની રજુવાત કરવા તેમણે દિવસ રાત એક કર્યા અને એક પછી એક સફળતા મળતી ગઈ. પહેલીવાર કાઉન્સિલર બન્યા અને ટૂંક સમયમાં ડે. મેયર પણ બન્યા. કોંગ્રેસનો સમય બદલાયો અને વિરોધ પક્ષમા બેસવું પડ્યું ત્યારે પણ ચિરાગભાઈએ વિરોધપક્ષની ભૂમિકાનું નેતૃત્વ કર્યું. વિરોધ પક્ષના નેતા તરીકે એમણે સત્તા સામે લડત આપી. માંજલપુર ભાજપનો ગઢ ગણાય આમછતા માંજલપુરના નેતા ચિરાગ ઝવેરી જ હતા. પાલિકાની સભા પણ તેમની મુદ્દાસરની ધારદાર રજુઆત સામે સત્તા પક્ષને જવાબ આપવો ભારે પડતો હતો અને એટલે જ ચિરાગ ઝવેરી સત્તા પક્ષ માટે પણ એટલા સન્માનનીય હતા. સ્થાનિક કાઉન્સિલર તરીકે પણ તેમણે માંજલપુરમાં વિકાસ કરી બતાવ્યો. પ્રજાના સુખ દુઃખ ના પ્રસંગે પડખે ઉભા રહેવાની તેમની ભાવનાએ લોકોમાં એક વાલી તરીકેની છાપ ઉભી કરી હતી. રાજકારણ સાથે સામાજિક કાર્યો માટે પણ ચિરાગભાઈ સદા તત્ત્પર રહેતા. માંજલપુરમાં મંગલેશ્વર મહાદેવ જલારામબાપા ટ્રસ્ટના તેઓ સ્થાપક હતા. ચિરાગભાઈ વર્ધમાન કો. ઓ. બેંકમાં ડાયરેક્ટર પણ હતા. સ્પોર્ટ્સ માં રુચિ રાખતા ચિરાગભાઈ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં પ્રેસ અને પબ્લિક કમિટીના સભ્ય પણ હતા. ચિરાગ ઝવેરીનું અમેરિકામાં હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું છે. તેમનો મૃતદેહ વડોદરા સ્થિત લાલબાગ સોસાયટી ખાતે લાવવામાં આવશે અને તેમની અંતિમયાત્રા રવિવારે સવારે તેમના નિવાસ્થાને થી નીકળી માંજલપુર સ્મશાન પહોંચશે જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
૩૫ વર્ષ કરતા વધુ સમય ના રાજકારણમાં સફળ નેતૃત્વ કરી પ્રજા અને પક્ષમા આદર સત્કાર મેળવવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. ચિરાગભાઈ એ જીવન જીવી બતાવ્યું પડકારો વચ્ચે રહીને..આજે એ સફળતાનો ઝળહળતો ‘ચિરાગ’ આપણી વચ્ચે નથી, પરંતુ એ ચિરાગનો પ્રકાશ વર્ષો સુધી આપણી વચ્ચે રહેશે અને યાદ અપાવશે કે ચિરાગભાઈ જેવા નેતા મળવા મુશ્કેલ છે....