મુખ્યમંત્રી તમે વડોદરાની ૨૨ લાખની પ્રજાની વેદનાને વાચા આપી...!!

તમારો ખુબ ખુબ આભાર....

MailVadodara.com - Chief-Minister-you-promised-the-suffering-of-22-lakh-people-of-Vadodara

શરમ કરો શાસકો હવે તો મુખ્યમંત્રી પણ પૂછે છે કે વડોદરાનો વિકાસ કેમ થતો નથી ?

વડોદરા શહેરનો વિકાસ કેમ રૂંધાયો છે ? મુખ્યમંત્રીના આ વેધક સવાલે વડોદરાની ૨૨ લાખ પ્રજાની વેદનાને જાણે વાચા આપી છે.


વડોદરા શહેરના વિકાસને કોનું ગ્રહણ લાગ્યું છે ? આ પ્રશ્ન વડોદરાની પ્રજાએ નથી પૂછ્યો, કારણ કે વડોદરાની પ્રજા તો આ પ્રશ્નનો જવાબ જાણે છે. આ પ્રશ્ન બીજા કોઈ એ નહીં પરંતુ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી પૂછ્યો છે.  સામાન્ય સંજોગોમાં કોઈ પણ મુખ્યમંત્રી એમના જ પક્ષના પાલિકાના શાસકો સામે જાહેરમાં સવાલો ઉઠાવતા નથી. આવા પ્રશ્નો પક્ષની બેઠકોમાં પુછાતા હોય છે. ભુપેન્દ્રભાઈ પટેલ પહેલા એવા મુખ્યમંત્રી હશે કે એમણે જાહેરમાં વડોદરાના શાસકો અને સંગઠનને ઉઘાડા પાડ્યા. 

- શહેરનો વિકાસ થાય કે ના થાય, શાસકોનો અફાટ વિકાસ થાય છે..!

મુખ્યમંત્રીની નિખાલસતા કહો કે હિંમત એમણે વડોદરા વાસીઓના વર્ષોથી અનુત્તર રહેલા પ્રશ્નને વાચા આપવાનું સરાહનીય કાર્ય જાહેર મંચ પરથી કર્યું.  તો શું પક્ષની બેઠકોમાં વડોદરાના શાસકોને ટકોર કર્યા બાદ પરિણામ નહીં આવ્યું હોય એટલે મુખ્યમંત્રીએ જાહેરમાં બોલવું પડ્યું હશે ?  ખેર, વડોદરામાં મુખ્યમંત્રી એ જે સવાલો કે ટિપ્પણી કરી એ શહેરીજનો માટે ફરી એકવાર આશા નું કિરણ બની શકે. જો કે જાડી ચામડીના શાસકોના પાપે પાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે એ નિર્વિવાદિત સત્ય છે.

વડોદરા મહાનગર પાલિકામાં છેલ્લા ૨૮ વર્ષ કરતા વધુ સમયથી ભાજપનું શાશન છે. આવી જ રીતે રાજ્યના અન્ય શહેરમાં પણ ભાજપનું શાશન છે. એ વાત અલગ છે કે ૨૮ વર્ષના શાશન બાદ પણ વડોદરા શહેર વિકાસની દ્રષ્ટિ એ ચાર મહાનગર પાલિકામાં છેલ્લા ક્રમે છે. આ ૨૮ વર્ષ દરમ્યાન એક થી ચઢીયતા શિક્ષિત શાસકો આવ્યા અને ગયા, પરંતુ વડોદરા ત્યાં નું ત્યાં જ રહ્યું.. 

- શરૂઆતમાં બાઈક અને સ્કૂટર પર આવતા ૧૨ હજારના કાઉન્સિલર પાંચ વર્ષમાં બંગલા અને મોટરગાડી કેવી રીતે વસાવે છે ?

શિક્ષિત શાસકો પણ વડોદરા નો વિકાસ કરવામાં નિષ્ફ્ળ રહ્યા. એ વાત અલગ છે કે આવા શિક્ષિત અને અશિક્ષિત શાસકો પૈકી મોટા ભાગના શાસકોનો વિકાસ સોળે કળાએ થયો. સ્કૂટર અને બાઈક પર ફરતા નેતાઓ પાલિકામાં સત્તા પર આવ્યા બાદ ધનાઢય થઈ ગયા. પાલિકાના વિકાસ પર મુખ્યમંત્રી એ જે સવાલો કર્યા એની પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાંનું મુખ્ય કારણ શાસકોની અણ આવડત અને ભ્રષ્ટાચાર છે. અહીં સરળ સવાલ એ છે કે માંડ ૧૨ હજારનો પગારદાર કાઉન્સિલર પાંચ વર્ષ પ્રજાની એવી તે કેવી સેવા કરે છે કે પ્રજાનો નહીં પરંતુ કાઉન્સિલરનો વિકાસ થઈ જાય છે. સ્કૂટર અને બાઈક પર ફરતો માણસ કાઉન્સિલર બનતા પાંચ વર્ષમાં ગાડી બંગ્લાનો માલિક થઈ જાય છે.

- શાસકોની અણ આવડત પ્રજાની પરસેવાની કમાણીને ભ્રષ્ટાચાર ને ભેટ ધરી દે છે..!!

આંખે ઉડીને વળગે એવા કઠિત કૌભાંડો ની હાર માળા વચ્ચે વિકાસ નું સપનું કેવી રીતે સાકાર બને ? બેફામ બનેલા અધિકારીઓ મનસ્વી રીતે કામો લાવે અને શાસકો ધૂતરાષ્ટ્ર બની મંજુર કરે તો શું થાય ? મુખ્યમંત્રી આદેશ કરે કે રોડ બનાવ્યા બાદ ખોદવો નહીં. પરંતુ શેઠ ની શિખામણ ઝાંપા સુધી માનતા અધિકારીઓ રોડ પર રોડ બનાવી તુરંત ખોદી નાંખે છે. આવા તો કેટલાય મનસ્વી નિર્ણયોએ શહેરની ઘોર ખોદી નાંખી છે.

દિલ્હી થી દોલતાબાદ અને દોલતબાદ થી દિલ્હી વાળી કરવાની શાસકો અને અધિકારીઓની ગજબની આવડત છે. વડોદરા ભાજપમાં ચાલતી આંતરિક જૂથબંધી પણ વિકાસ આડે ગ્રહણનું કારણ છે. સંગઠન અને શાસકોના રચેલા જૂથબંધીના ચાકા વડોદરાનો વિકાસ નહીં થવા દે એ નક્કી છે. ટૂંકમાં શહેરનો વિકાસ થાય કે ના થાય નેતાઓનો વિકાસ જરૂર થાય છે. વડોદરાનો વિકાસ કરવો હોય તો સત્તાના નશામાં છકી ગયેલા નેતાઓ પર લગામ લગાવવી જ પડે...

Share :

Leave a Comments