કમાટીબાગ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં કારનો કચ્ચરઘાણ, રીક્ષા પણ દબાઇ ગઇ

કમાટીબાગ ગેટ નં-1 પાસે સવારે મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું

MailVadodara.com - Car-shed-rickshaw-were-also-crushed-when-a-spreading-tree-fell-near-Kamatibagh


વડોદરા શહેરના કમાટીબાગ ગેટ નંબર-1 પાસે સવારના સમયે એક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ બનાવમાં બે વાહનોને ભારે નુકસાન થયું છે. વૃક્ષ પડતા ધડાકાભેર અવાજ આવ્યો હતો અને નીચે રહેલી એક કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.


પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના કમાટીબાગ ગેટ નંબર-1 પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને ઓટો રીક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ ઘટનાને લઇ એક નાગરિકે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરતા તાત્કાલિક વડી વાળી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરીમાં જોતરાઈ છે. વૃક્ષ પડવાના કારણે કારનો સંપૂર્ણ ભાગ ડેમેજ થતાં ચાલકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


આ ઘટનાને લઇ હાલમાં ફાયર વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે અને મહાકાય વૃક્ષને હટાવવા માટે વિવિધ અત્યાધુનિક સાધનો વડે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ મુખ્ય માર્ગ હોવાથી અહીંયા ટ્રાફિક ન થાય તે પ્રકારની કામગીરી હાલમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા પહેલા મોટી સંખ્યામાં લારીધારકો ઉભા રહેતા હત. જોકે, થોડાક સમય પહેલા જ તેઓને કોર્પોરેશન દ્વારા અહીંયાથી દૂર કરવામાં આવ્યા હતા. જો આજે અહીંયા આ લારીધારકો હોત અને ઘટના બની હોત તો મોટી જાનહાની થઈ શકી હોત.


અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પાલિકા દ્વારા વડોદરા શહેરમાં ઠેર-ઠેર ચોમાસાને લઈ મહાકાય વૃક્ષો સાથે જ શહેરમાં ડ્રેનેજ, ખુલ્લી કાંસો સહિતની પ્રિ-મોન્સૂન કામગીરી પૂરજોશમાં કરવામાં આવી છે.

Share :

Leave a Comments