- બેગમાંથી 6 પેકેટો મળ્યા હતા, પોલીસે 12 કિલો 130 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેને કોણ મૂકી ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરી
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પરના રેલવે પોલ નંબર 10 પાસે એક ગ્રે કલરની બિનવારસી ટ્રોલી બેગ મળતા પ્લેટફોર્મના કૂલી દ્વારા આ બેગ રેલવે સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટને સુપરત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ દ્વારા રેલવે સ્ટેશન પર વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે, કોઈ પેસેન્જર બેગ ભૂલી ગયું હોય અથવા ચોરી થઈ હોય તો તેઓ ઓફિસનો સંપર્ક કરે. જોકે લાંબા સમય સુધી કોઈ પેસેન્જર બેગ લેવા નહીં આવતા આખરે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી.
પોલીસે સ્કેનર દ્વારા બેગમાં ચેક કરતા અંદર સેલોટેપ મારેલા પેકેટો જણાયા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી બેગ ખોલતા અંદરથી છ પેકેટો મળ્યા હતા. આ પેકેટો ખોલતા જ વનસ્પતિ જન્ય નશીલો પદાર્થ મળ્યો હતો. જે ગાંજો હોવાનો એફએસએલ દ્વારા નક્કી થયું હતું. પોલીસે 1.21 લાખ કિંમતનો 12 કિલો 130 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેને કોણ મૂકી ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.