તરસાલી થી કારવણ રોડ બને એ પહેલા નાળુ બેસી ગયું

બોલો, વિકાસ થાકીને બેસી ગયો..!

MailVadodara.com - Before-the-Tarsali-to-Caravan-Road-was-built-the-flood-subsided

- કોન્ટ્રાક્ટરને રૂ.૩૩ કરોડના કામમાં રૂ.૨૯ ચૂકવાઈ ગયા છે

- ૧૯ કિલોમીટરના રોડ પર રુંવાદ નજીક નાળું છ ઇંચ બેસી જતાં સળિયા દેખાવા માંડ્યા


વડોદરા શહેરના સીમાડે આવેલા તરસાલીથી કારવણ સુધી બની રહેલા રોડનું કામ પૂરું થાય એ પહેલા જ નાળા પરનો રોડ બેસી જતાં ચકચાર મચી છે. રૂપિયા 33 કરોડના ખર્ચે બની રહેલો રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને રૂ.૨૯ કરોડ ચૂકવાઈ પણ ગયા છે.


       રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોને એક બીજા સાથે જોડવા રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ તંત્રની નિષ્કાળજી કહો કે ઈચ્છા શક્તિનો અભાવ, સરકારના પ્રયાસો પૂર્ણ પણે સફળ થતા નથી. વડોદરા શહેરના સીમાડે આવેલા તરસાલી થી કારવણ સુધી ૧૯ કિલોમીટર નો નવા બની રહેલો રોડ પૂર્ણતાને આરે છે. આ રોડ બનાવવાનો કુલ ખર્ચ રૂ.૩૩ કરોડ છે. નવા બની ગયેલા રોડ પર રુંવાદ ગામ પાસે નાળા પર નો રોડ બેસી ગયો છે. નાળા ઉપરનો રોડ લગભગ છ ઈંચ જેટલો બેસી જતાં વાહન ચાલકોએ વાહન ધીમા કરી પસાર થવું પડે છે. રોડ એવી રીતે બેસી ગયો છે કે નાળા પર સળિયા દેખાવા માંડ્યા છે. અહીં મહત્વ નું એ છે કે રોડનું કામ હજી પૂરું થયું નથી એ પહેલા બની ગયેલો રોડ બેસી જતાં રોડ ની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે.


આ અંગે અમે સીટી આર એન્ડ બી ના અધિકારીઓને પૂછ્યું તો તેમણે નામ નહીં આપવા શરતે જણાવ્યું હતું કે બેસી ગયેલા રોડનું નાળુ ગ્રામ પંચાયતે છ વર્ષ પહેલા બનાવેલું છે એટલે નાળું જૂનું છે જેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ રોડ કામ સ્પાયરલ કન્સ્ટ્રાશન કોર્પોરેશન કરી રહ્યું છે અને કોન્ટ્રાકટર વેરાવળના છે. રૂ. ૩૩ કરોડના કામમાં અત્યાર સુધી કોન્ટ્રાક્ટરને રૂ.૨૯ કરોડ ચૂકવાઈ ગયા છે. હજી થોડું કામ બાકી છે. નાળાનો બેસી જતાં હવે એ સમારકામ માટે જે ખર્ચ થશે એ કોણ ભોગવશે એવુ પૂછતાં અધિકારીનું કહેવું છે કે આમાં કોન્ટ્રાકટરની ભૂલ નથી નાળુ છ વર્ષ જૂનું છે એટલે સમારકામ નો તમામ ખર્ચ સીટી રોડ એન્ડ બિલ્ડીંગ શાખા ચૂકવશે.


અહીં સવાલ એ છે કે નાળુ છ વર્ષ જૂનું છે એ રોડ બનાવતા પહેલા ખબર કેમ ના પડી ? શું આને ઘોર બેદરકારી ના કહેવાય ? રોડ બનાવતા પહેલા નાળા ની મજબૂતાઈની ખાત્રી કેમ કરવામાં ના આવી ? નવો રોડ બનાવતા પહેલા શું સ્થળનો સર્વે નહીં કરવામાં આવ્યો હોય ? આવા નુકસાન માટે  કોણ જવાબદાર ? રોડ બને એ પહેલા રોડ બેસી જતો હોય તો ચોમાસામા આ રોડ અકબંધ રહેશે એવુ કેવી રીતે માની લેવાય ? આવા અનેક સવાલો તંત્ર સામે વિકરાળ મ્હોં ફાડીને ઉભા છે.

Share :

Leave a Comments