- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી દબાણ શાખાની ટીમે એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકાના સ્ટોર ખાતામાં જમા કરાવ્યો
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા 30થી વધુ ઢોરવાડા તોડવાની કામગીરી કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા ગૌપાલકો અને ઢોર પાર્ટીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરી ઢોરવાડા તોડવાની કામગીરી કરી હતી.
વડોદરા શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે રસ્તે રખડતા ઢોર પણ ગમે ત્યારે કોઈ નિર્દોષને શીંગડે ચડાવે છે. રખડતા ઢોર માટે ડિવાઇડર પર નંખાતા એઠવાડ સહિત અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ નંખાય છે. ત્યારે રખડતા ઢોર આવો કચરો અને એઠવાડ ખાવા ડિવાઈડર પર ચડે છે. જ્યારે બીજી બાજુ શહેરના પૂર્વ છેવાડે આવેલી રંગ વાટિકા, જય અંબે નગર, કાશીબા સોસાયટી, કમલા નગર, નહેરુચાચા નગર, બળીયાદેવ નગર સહિતના વિસ્તારમાં ગેરકાયદે બનેલા 30 જેટલા ઢોરવાડાનો પાલિકાની દબાણ શાખાની ટીમે સફાયો કર્યો હતો. આ કામગીરી દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફે પ્રસંશનીય કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં રંગ વાટિકા, જય અંબે નગર, કાશીબા સોસાયટી, કમલા નગર સોસાયટી, નહેરુચાચા નગર સોસાયટી, બળીયાદેવ નગર સોસાયટી વિસ્તારમાં 30 જેટલા ગેરકાયદે ઢોરવાડા બંધાઈ ગયા હોવાની જાણ પાલિકાની દબાણ શાખાને થઈ હતી. આ ઢોરવાડાની ગંદકીથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. કેટલાય ઘરમાં તાવ અને ડેન્ગ્યુ મેલેરિયાના ખાટલા પણ અનેક ઘરોમાં મંડાયા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદે ઢોરવાડા પર બુલડોઝર ફેરવી દેવાનું નક્કી કરાયું હતું. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાંથી જરૂરી સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા માટે માંગવામાં આવ્યો હતો. જરૂરી પોલીસ ટીમ આજે મળી જતા પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સહિત ટ્રક સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી શરૂ થાય એ પૂર્વે જ ગૌપાલકોને પાલિકા તંત્રની ટીમ સાથે તું તું મે મે થયું હતું. જોકે બાપોદ પોલીસની ટીમે કુનેહ પૂર્વક ગૌ પાલકોની સમજાવટ કરતા મામલો થાળી પડ્યો હતો. જોકે પાલિકા તંત્રની કામગીરી જોવા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઊંઘ્યા હતા. જોકે પોલીસે સંયમ પૂર્વક કામગીરી કરતા ઢોરવાડા તોડવાની કામગીરી સફળતાપૂર્વક પાર પડી હતી. દબાણ શાખાની ટીમે ઘટના સ્થળેથી એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકાના સ્ટોર ખાતામાં જમા કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા ઢોરે માઝા મૂકી છે ત્યારે કોઈપણ વિસ્તાર રખડતા ઢોરથી બાકાત નથી. ગૌપાલકો પોતાના ઢોર-ઢાખરને દોહી લીધા બાદ રખડતા મૂકી દેતા હોય છે અને સાંજે નિયત સમયે ફરી એકવાર પોતાના ઢોરને શોધવા ગૌપાલકો નીકળે છે.