- બ્રિજની નીચેથી જમણી તરફ સર્વિસ રોડ પર રસ્તો ડાયવર્ટ કરવામાં આવશે
વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં આવેલ તેમજ રાજમહેલ રોડ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી આશરે 40 વર્ષ જેટલી જૂની લાલબાગ પાણીની ઊંચી ટાંકી જર્જરિત હોવાથી અવારનવાર તેને ઉતારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે પાલિકાના પાણી પૂરવઠા વિભાગ દ્વારા તેને ઉતરવાની કામગીરી શરૂ કરતાં પાસેથી પસાર થતા રસ્તા પર કોઈ નાગરિકની સલામતી ન જોખમાય તે માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરી આગામી 10થી 15 દિવસ સુધી ચાલશે.
વડોદરા શહેરના માંજલપુર રાજમહેલ રોડ વિસ્તારને પાણી પુરવઠા પૂરો પાડવા 40 વર્ષ પહેલા 18 લાખ લીટર પાણીની ક્ષમતાની ટાંકી બનાવવામાં આવી હતી. અંદાજિત 60 થી 70 હજાર લોકોને લાલબાગ ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું. હાલમાં આ લાલબાગ પાણીની ઊંચી ટાંકી જર્જરિત હોવાથી આ ટાંકીને ઉતારવાની કામગીરી કેટરપીલર મશીન/ કોંક્રિટ ક્રશર મશીન દ્વારા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કામગીરીને કારણે નાગરિકોની સલામતીને ધ્યાને લઈ અહીં આવેલ રસ્તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાશી વિશ્વનાથ મંદિરથી લાલબાગ બ્રિજ જતા ડાબી બાજુનો સર્વિસ રોડ લાલબાગ ટાંકી ખાતે આવેલ ટ્રાન્સફોર્મર રૂમના ગેટ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થતાં તેના વૈકલ્પિક સ્વરૂપે ટ્રાન્સફોર્મર રૂમની સામે બ્રિજની નીચેથી જમણી તરફ સર્વિસ રોડ ડાયવર્ટ કરવામાં આવશે. જે બાબતોને ધ્યાનમાં લઈને શહેરના આ વિસ્તારના નાગરિકોને અવર-જવર માટે આજુબાજુનો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી આ થઈ રહેલી કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, લાલબાગ પાણીની જર્જરિત થયેલી ટાંકી તોડવાની કામગીરી ગઇકાલથી શરૂ કરવામાં આવી છે, જે 10 થી 15 દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળે છે. લાલબાગ ટાંકી તોડીને નવી ટાંકી બનાવવા માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ટાંકી તોડવા પાછળ અંદાજે રૂપિયા 5 લાખનો ખર્ચ થશે અને ટાંકીમાંથી નીકળતો કાટમાળ જે તે ઇજારદાર લઈ જશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.