માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જન્મ-મરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી શરૂ કરી દેવાઇ

શહેરીજનોને જન્મ-મરણની, લગ્નની નોંધણી કરાવવા માંજલપુર જવું પડશે

MailVadodara.com - An-office-for-registration-of-births-deaths-and-marriages-has-been-opened-at-Manjalpur-Sports-Complex

- પાલિકાએ આવક ઉભી કરવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 10 દુકાનો બનાવી હતી

- આ દુકાનો જાહેર હરાજી કર્યા બાદ ન વેચાતા પાલિકાએ કચેરી શરૂ કરી!


વડોદરા મહાનગરપાલિકાની જન્મ-મરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી કેવડાબાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલી હતી. આ કચેરીની ઈમારત ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી પાલિકા દ્વારા નવા સ્થળ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્થિત દુકાનોમાં કચેરી સ્થળાંતર કરવામાં આવી છે. જે કચેરીમાં શ્રી સ્વામિનારાયણની કથા કરીને આજથી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનિય છે કે, કોમ્પ્લેક્ષની દુકાનો ન વેચાતા પાલિકાએ જન્મ-મરણની નોંધણીની કચેરી બનાવી ઉપયોગ કરી લીધો છે. આ કચેરીનું ત્રીજી વખત સરનામું બદલાયું છે.


વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની કવાયત છેલ્લા કેટલાક સમયથી શરૂ કરવામાં આવી આવી હતી. આખરે સોમવારથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્થિત ખાલી પડેલી દુકાનોમાં સ્થળાંતર કરવામાં આવી હતી. આ કચેરી માંજલપુર ખાતે લઇ જવા સામે સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ, કેવડાબાગ સરદાર માર્કેટનું બિલ્ડીંગ જર્જરિત થઇ ગયું હોવાથી પાલિકા દ્વારા કચેરી સ્થળાંતર કરવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે શહેરીજનોને જન્મ-મરણની તેમજ લગ્નની નોંધણી કરાવવા માટે માંજલપુર જવું પડશે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. આખરે નિર્ણય લેવામાં આવતાં આજથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કાર્યરત કરવામાં આવી છે. જોકે આ બાબતે કેટલીયવાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે, આ શહેરનાં મધ્યમાં રાખવામાં આવે. જેથી, નાગરિકોને મુશ્કેલી સર્જાય છતાં આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઇ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.


નોંધનીય છે કે, પાલિકા દ્વારા આવક ઉભી કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવ્યું હતું, ત્યારે 10 જેટલી દુકાનો બનાવી હતી અને આ દુકાનો જાહેર હરાજીથી વેચાણ આપવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ આ દુકાનો ધંધા-રોજગાર માટે વેચાઇ ન હતી. જેથી આ દુકાનો બંધ પડી રહી હતી. જે બંધ દુકાનોનો પાલિકાએ જન્મ મરણ અને લગ્ન નોંધણી કચેરી તરીકે ઉપયોગ શરૂ કર્યો છે.

વડોદરા પાલિકા દ્વારા જ્યાં જન્મ-મરણની નોંધણીની કચેરી હતી. તેની પાછળના ભાગની શાકભાજી માર્કેટની કેવડાબાગ સરદાર માર્કેટની જગ્યા ઉપર ઢોરવાડા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકા દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, તે સામે પણ કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલરે વિરોધ કર્યો હતો. આ બાબતે સ્થાનિક લોકોએ પણ સહકાર આપતા અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા પાલિકા દ્વારા ઢોરવાડા બનાવવાનો પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો.


Share :

Leave a Comments