- પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટ આપનાર પાલિકા પણ જવાબદાર હોવાના આક્ષેપો
હરણી બોટ દુર્ઘટનામાં બોટ ચાલકની સાથે સહાયક મજુરીનું કામ કરતા, જેને પાણીમાં તરતા પણ આવડતું નહોતું, બોટ ડૂબે તો પોતાના જીવનું જોખમ હોવા છતાય રોજીરોટી મેળવી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા, માટે મજુરી કરતો તેની ઉપર પોલીસે ગુન્હો લગાવી ધરપકડ કરી હોય તો ગુન્હામાં સૌથી મોટા જવાબદાર મોટનાથ તળાવ માટે પી.પી.પી. કરારના પ્રથમ પક્ષકાર ભાગીદાર એવા કોર્પોરેશનના વિગતમાં જણાવેલા તમામ જવાબદાર ઉપર ગુન્હો લગાવી, કાયદેસરની કાર્યવાહી કરી, ધરપકડ કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતીએ માંગ કરી છે.
ન્યુ સનરાઈઝ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી, સંચાલક, નફા નુકશાનમાં ભાગીદારો કે જેમણે બાળ વિધ્યાર્થીઓ પાસેથી પીકનીક ફીના રૂપિયા વસુલી, પીકનીક સ્થળની જોખમ તપાસ કર્યા વગર, સામાન્ય શિક્ષકોના ભરોસે ૫ વર્ષથી ૧૦ વર્ષના બાળકોને પીકનીક કરવા મોકલ્યા તેઓ પણ દુર્ઘટનામાં જાનહાની માટે જવાબદાર છે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કોર્પોરેશન દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પી.પી.પી.) હેઠળ એટલે કે પબ્લિક પાર્ટનર તરીકે કોર્પોરેશન અને પ્રાઈવેટ પાર્ટનર તરીકે મેં. કોટિયા પ્રોજેક્ટ્સએ બન્નેવ વચ્ચે ભાગીદારી કરાર કરીને બોટિંગ સહીતની એકટીવીટી શરુ કરેલ હતી. જેમ આવક કે નફામાં કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ એમ બન્નેવ ભાગીદાર હતા તેમ બોટિંગ સહીતની એકટીવીટીમાં સલામતી જાળવવા માટે બન્નેવ પી.પી.પીના કરાર કરેલા ભાગીદારો સંપૂર્ણ જવાબદાર છે.
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ માટે રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશનના કમિશ્નરે સહી કરી અને બીજા પક્ષકાર તરીકે કોટિયા પ્રોજેટ્સના બિનીત કોટિયાએ નોટરી પબ્લિક સમક્ષ સહી કરી કરારને કાયદેસરનું ડોક્યુમેન્ટ નોધેલું છે. આનો અર્થ એમ થાય કે પ્રથમ પક્ષકાર એવા વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશને તળાવ સહીતની જમીન ભાડે આપેલી નથી પણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મુજબ જનભાગીદારીથી આપેલી છે અને દુર્ઘટનાના ગુન્હા માટે બન્નેવ મુખ્ય ભાગીદારો સરખા જવાબદાર ગણાય. જયારે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કરારના બીજા પક્ષકાર ભાગીદાર કોટિયા પ્રોજેક્ટ્સના તમામ ભાગીદારો, સંચાલન કરનારા, મેનેજર, હોડી ચાલક, હોડી ઉપર મજુરી કરનાર, પરોક્ષ રીતે કામગીરી કરનાર સહીતના કુલ ૨૦ જેટલાને જીવલેણ હોડી હોનારત માટે આરોપી બનાવ્યા હોય તો કરારના પ્રથમ પક્ષકાર કોર્પોરેશનના ફ્યુચરીસ્ટીક સેલના કાર્યપાલક ઈજનેર, સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી માટે મુકનાર મ્યુનીસીપલ કમિશ્નર, સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરનાર ચેરમેન, સભામાં મંજુર કરનાર અધ્યક્ષ એટલે કે મેયર, ફ્યુચરીસ્ટીક સેલના તકેદારી રાખનાર હાલના કાર્યપાલક ઈજનેર, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં સહી કરી અનુમોદન આપનાર બે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહીત તમામને જીવલેણ હોડી દુર્ઘટનાના આરોપી તરીકે પોલીસે નોધવા જોઈએ તે નોધેલા નથી. માંગ કરી છે કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કરારના પ્રથમ પક્ષકાર પાર્ટનર એવા કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓ, મંજુરી આપનાર પદાધિકારીઓ, રેગ્યુલર ઇન્સ્પેકશન કરવાની જેની જવાબદારી હોય તેઓ સહીત જવાબદાર તમામ ને આરોપી બનાવી, ધરપકડ કરવામાં આવે.