અમેરિકાની યુનિવર્સિટીની ફી ભરવાના બહાને એજન્ટે વડોદરાના વિદ્યાર્થી સાથે રૂ.6.87 લાખની ઠગાઈ કરી

માંજલપુરમાં રહેતો યુવક યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો

MailVadodara.com - Agent-cheats-Vadodara-student-of-Rs-6-87-lakh-on-pretext-of-paying-US-university-fees

અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વડોદરાના વિદ્યાર્થીની ફી લઇને એજન્ટે ફી નહીં ભરીને 6.87 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. આ મામલે વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના માંજલપુરમાં વિશ્વામિત્રી ટાઉનશીપની પાછળ સિટી પેરેડાઇઝમાં રહેતા વત્સલભાઈ વિરેશ્વરભાઈ જોષી મંગળ બજારમાં ચાણક્ય બેગ નામની દુકાન ચલાવે છે. તેઓએ વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી 2023માં મારો નાનો ભાઈ વેદાંત જોષી યુકેમાં યુનિવર્સિટી ઓફ સરી ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો. તેની ફી ભરવાની હોવાથી મારા પિતા વિરેશ્વરભાઈએ જેનિલ નિલેશભાઈ પટેલ (રહે. કોઠી ફળિયું, પાદરા, જિ.વડોદરા) નો સંપર્ક કર્યો હતો.

જેનિલ પટેલે મારા પિતાને યુનિવર્સિટીને ફી ભરવા બાબતે કહ્યું હતું કે, તમે મને રોકડા રૂપિયા આપો તો હું તમારા દીકરા વેદાંતની ફી અમારી એજન્સી મારફતે ભરાવી દઈશ. મારા પિતાએ કુલ 17.86 લાખ જેનિલભાઈને ફી ભરવા માટે આપ્યા હતા. જેનિલ પટેલે મારા ભાઈ વેદાંતની પ્રથમ તથા બીજા સેમેસ્ટરની ફી યુનિવર્સિટીમાં ભરી હતી, પરંતુ, ત્રીજા સેમેસ્ટરની ફી ભરી નહોતી. ત્યાર બાદ યુનિવર્સિટીએ તમામ ફી પરત કરી જણાવ્યું હતું કે, હવે તમારે ત્રણેય સેમેસ્ટરની ફી એકસાથે ફ્લાયવાયર મારફતે ભરવાની છે. 

જેનિલ પટેલે ફલાયવાયરની ખોટી પાવતી બતાવી જણાવ્યું હતું કે, તમારી ફી ભરાઈ ગઈ છે, પરંતુ, વેદાંતે યુનિવર્સિટીમાં ખરાઈ કરતાં ફી ભરાઈ ન હતી. અમે અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા જેનિલ પટેલે 10.99 લાખ રૂપિયા પરત કર્યા છે, જ્યારે 6.87 લાખ હજી પરત કરવાના બાકી છે. જેથી આ મામલે મેં જેનિલ પટેલ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સિટી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments