- ન્યૂ વીઆઇપી રોડ પર શિવ બંગલોઝ પાસે વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી
વડોદરા શહેરમાં ગત મોડીરાત્રે એક કલાક વરસેલા બે ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરમાં પાણી પાણી કરી દીધું હતું. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પર ખાડા અને ભૂવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે હવે શહેરના ન્યૂ વીઆઇપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે, જેથી આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા શિવ બંગલોઝ પાસે વરસાદી કાંસનો આશરે 40 ફૂટનો સ્લેબ ધરાશાયી થતાં નાગરિકો ચિંતામાં મુકાયા છે. હાલમાં કોન્ટ્રેક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ સ્લેબ બેસી જવાથી નાગરિકો માટે જોખમ ઊભું થયું છે. સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ હવે વધુ વરસાદ આવે એ પૂર્વે જ જો કામગીરી થાય તો સ્થાનિક રહીશોનાં ઘરમાં પાણી ફરી વળતાં અટકી શકે છે.
આ અંગે સ્થાનિક નીતિનભાઈએ જણાવ્યું હતું કે આ વરસાદી કાંસ તૂટી પડતાં ખૂબ જ ચિંતા વ્યક્ત કરીએ છીએ. આ બાબતે કોર્પોરેટરોને જાણ કરીને તેની કામગીરી બાબતે વાતચીત કરી છે. જે રીતે સ્લેબ પડી ગયો છે એ બાબત ખૂબ જ ગંભીર છે. આવનારા દિવસોમાં પરિણામ ખરાબ આવી શકે છે. આ કાંસ કોન્ક્રીટ અને મજબૂતાઈથી નહિ બનાવે તો તંત્ર પર ભરોસો રહે નહીં, આ જ રીતે જોખમ ઊભું થતું રહેશે. આ બધાં જ મકાનોની સેફટી માટે ત્વરિત કામગીરી થાય એવી અમારી માગ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર રોડ-રસ્તા પર ખાડા અને વિશાળ ભૂવા પડવાનો સિલસિલો યથાવત્ છે, પરંતુ ગત મોડીરાત્રે વરસેલા ભારે વરસાદે વધુ એક પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. વિશાળ સ્લેબ બેસી જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં આસપાસ 250થી વધુ મકાનો આવેલાં છે, ત્યારે જો ફરી અચાનક વરસાદ આવશે તો આ લોકોની હાલત કફોડી થશે. હાલમાં શહેના પૂર્વ વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યો અને હોદ્દેદારો ખાનગી વૈભવી હોટલમાં મિટિંગોમાં વ્યસ્ત છે, ત્યારે શહેરના નાગરિકોની ચિંતા કોણ કરશે એ સૌથી મોટો સવાલ છે.