- ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી બાઈક સહિતના 65 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો, આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં 25 ગુના નોંધાયેલા છે
વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનને ઓફિસોને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની દુમાડ ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો. તેની પાસેથી બાઈક સહિતના 65 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં 25 ગુના નોંધાયેલા છે.
વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બનતા જાય છે અને ચોરીની ઘટના અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે તસ્કરોને પકડવા માટે પોલીસ વિભાગ સક્રિય થયો છે. ત્યાર ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાડ સ્થિત નવીનગરી ખાતેથી અગાઉ ચોરીઓના ગુનામાં ઝડપાયેલા રીઢા આરોપીને સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી (ઉ.વ.28)ને પકડી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે તેણે છેલ્લા 20 દિવસમાં સાગરીતો સાથે મળીને રાત્રીના સમયે ગોરવા સુભાનપુરા ખાતેથી બાઈકની ચોરી કરી હતી. ત્યારબાદ આ બાઈકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ, ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાનોને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના, ઘડિયાળ, રોકડા રૂપિયા મળી રૂ. 65 હજારના માલમતાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી તેની પાસેથી બાઈક, સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી 65 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે નવાપુરા, ફતેગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમા આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઉલ્લેખનયી છે કે આરોપી વિરુદ્ધ ઘરફોડ, વાહનચોરી, રાયોટિંગના મળી 25 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.