શેરબજારમાં રોકાણ કરાવવાના નામે 29.57 લાખની ઠગાઈ કેસનો આરોપી દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો

આરોપી દિક્ષીત શાહ લંડનથી ભારત આવતાં ગોત્રી પોલીસે ઝડપી પાડ્યો હતો

MailVadodara.com - Accused-of-29-57-lakh-fraud-case-in-the-name-of-investing-in-stock-market-arrested-from-Delhi-airport

- ગોત્રી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

વડોદરામાં શેરબજારમાં રોકાણ કરાવવાના નામે 29.57 લાખ રૂપિયાની ઠગાઈના કેસમાં લંડનથી ભારત પરત ફરી રહેલા આરોપીની ગોત્રી પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે અને આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.


1 સપ્ટેમ્બર, 2022ના રોજ વડોદરાના જેતલપુર રોડ પર આવેલી કાશીવિશ્વેવર ટાઉનશીપમાં રહેતા અમિતભાઇ પરીખે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી દિક્ષીત સુરેશ શાહ, વૈભવ સુરેશ શાહ, અમોલ કેશવભાઇ સાણે અને મયુર શૈલેષભાઇ વસાવાએ મારી પાસે વિવિધ કંપનીઓ અને તેમના ખાતાઓમાં રોકાણ કરાવ્યું હતું અને દિક્ષીત શાહે પોતે નેશનલ ઇન્ટીટ્યુટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ કંપની ચલાવવા માટેના અને એંજલ બ્રોકિંગના એજન્ટ હોવાનું જણાવી અને અન્ય પ્રમાણપત્ર બતાવીને તેઓએ કંપની વતી કામ કરે છે.

દિક્ષીત શાહે પોતે કંપનીના એજન્ટ તરીકે મારી, મારી પત્ની, મારી પત્નીના મિત્ર અને મારા જમાઇ પાસેથી 29.57 લાખ રૂપિયા રોકાણના નામે લીધા હતા અને તમામ વળતર સાથે કુલ 1.10 કરોડ રૂપિયા આપવાનો પાક્કો વિશ્વાસ અપાવ્યો હતો. જો કે, મને રૂપિયા પરત કર્યાં નહોતા અને મારી સાથે છેતરપિંડી આચરી હતી. આમ આરોપી દિક્ષીત સુરેશ શાહ, વૈભવ સુરેશ શાહ, અમોલ કેશવભાઇ સાણે, (રહે. જય રણછોડ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) અને મયુર શૈલેષભાઇ વસાવા (રહે. હરીધામ કોમ્પ્લેક્ષ, જુના બાપોદ જકાતનાકા, વાઘોડિયા રોડ, વડોદરા) સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં દિલ્હી એરપોર્ટ ખાતે ઇમીગ્રેશન ઓથોરિટી દ્વારા ગોત્રી પોલીસને જાણ કરવામાં આવી હતી કે, દિક્ષીત શાહ લંડનથી ભારત આવ્યો છે અને તેને ડિટેઇન કરવામાં આવ્યો છે. જેથી ગોત્રી પોલીસની એક ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગઇ હતી અને લંડનથી પરત આવેલા દિક્ષીત શાહ (ઉ.29), (રહે. હારોલ રોડ, ઓપ્ટન પાર્ક, લંડન, મૂળ રહે. વસંતવિહાર કોમ્પ્લેક્ષ, વાડી મેઇન રોડ, વડોદરા)ને ગોત્રી પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી અને વડોદરા કોર્ટમાં રજૂ કરીને તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Share :

Leave a Comments