- વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને લોહામંડીથી ઝડપી પાડ્યો
- આરોપી પ્રકાશ શર્માને પકડવા માટે ૧૦ હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું
વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મ અને છેડતીના કેસમાં છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપી પ્રકાશ શ્રીરામ શર્માને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૧માં પીડિતાની છેડતી કર્યા બાદ તેની સાથે હાથાપાઇ કરી બળાત્કાર ગુજારનાર આરોપી પ્રકાશ શ્રીરામ શર્માને ઝડપી પાડવા માટે વડોદરા પોલીસની ટીમો લાંબા સમયથી દોડધામ કરતી હતી.આરોપી પ્રકાશ શર્મા પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. જેથી પોલીસે તેને પકડવા જુદા જુદા સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ આરોપી વારંવાર પોતાનું લોકેશન બદલતો હોવાથી તે પકડાતો ન હતો.
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ કે. જે. વસાવા અને તેઓની ટીમને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારીત માહિતી મળી હતી કે, બાપોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તથા છેડતીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લાં અઢી વર્ષથી ફરાર આરોપી પ્રકાશ શ્રીરામ શર્મા (રહે. લોહામંડી પોલીસ સ્ટેશન સામે, આગ્રા, ઉત્તરપ્રદેશ) હાલમાં ઉત્તરપ્રદેશ રાજ્યના આગ્રાના લોહામંડી ખાતે છે. જેને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોહામંડીમાં રેડ કરી હતી. સ્થળ પર તપાસ કરતા આરોપી પ્રકાશ શર્મા આગ્રા સ્થિત લોહામંડી પોલીસ સ્ટેશન સામે આવેલા ફૂટપાથ પરથી ઝડપાઇ ગયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસ કમિશનરે આરોપી પ્રકાશ શર્માને પકડવા માટે રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.