આજવા રોડ પર કમલાનગર પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં દસ ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો

ડિવાઈડરની વચ્ચેથી પસાર થતી લાઈનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે આશ્ચર્યજનક બાબત

MailVadodara.com - A-water-main-burst-near-Kamlanagar-on-Ajwa-Road-sending-a-ten-feet-high-shower

- હજારો લિટર પાણીનો વેડફાટ રસ્તા પર થતા શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઇ


વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે ડિવાઇડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ પડતા 10 ફૂટ ઊંચો પાણીનો ફુવારો સતત ઉડતો રહ્યો હતો. જેને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ રસ્તા પર થતા શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.


વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતું પાણી પહોંચતું નથી અને ટેન્કરોનું રાજ બારે મહિના ઉભું કરવામાં આવ્યું છે અને કૃત્રિમ પાણીની તંગી સર્જવામાં કેટલાક સ્થાનિક કોર્પોરેટરો અને એન્જિનિયરો જવાબદાર છે. એકબાજુ પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી પ્રેશરથી મળતું નથી તો બીજીબાજુ આજે સવારથી આજવારોડ કમલા નગર પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. આ ભંગાણ કેવી રીતે પડ્યું તેની કોઈ જાણકારી મળતી નથી. ડિવાઈડરની વચ્ચેથી પસાર થતી આ પાણીની લાઈનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યજનક બાબત છે.


પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણને કારણે ડિવાઇડરમાં પાણીની તલાવડી થઈ ગઈ હતી અને તે પછી વધારાનું પાણી મુખ્ય રસ્તા પર વેડફાઈ રહ્યું હતું. આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્રને જાણ કરી છતાં પણ સમારકામ માટે વિલંબ કરવામાં આવી રહ્યો હતો. આખરે કોર્પોરેશનની ટીમે સ્થળ પર આવી વેડફાતું પાણી અટકાવવાની કામગીરી શરૂ કરી હતી.

Share :

Leave a Comments