વડોદરામાં સ્થાયી સમિતિ ચેરમેનના નિવેદનનો અનોખો વિરોધ સામાજિક કાર્યકરો ટ્યૂબ-દોરડા લઇ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે, વડોદરામાં પૂર વચ્ચે જીવવું હોય તો ટ્યૂબ લઈને ફરજો

MailVadodara.com - A-unique-opposition-to-the-statement-of-the-Standing-Committee-Chairman-in-Vadodara

- સામાન્ય નાગરિકથી લઇને સામાજીક કાર્યકર અને પૂર્વ વિપક્ષી નેતાઓ નિવેદનને વખોડી કાઢ્યું

- સામાજિક કાર્યકરો અતુલ ગામેચી, કમલેશ પરમાર, મહેન્દ્રસિંહ રાઠોડ અને પરેશ દવેનો વિરોધ


વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર અંગે જવાબદારી સ્વિકારી નગરજનોની માફી માંગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ નગરજનોને આવનાર સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂર સામે ટ્યૂબ, તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપી હતી. જોકે, ચેરમને આપેલી સલાહનો ચારેકોરથી પ્રચંડ વિરોધ શરૂ થયો છે. આ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ચેરમેને નગરજનોની માફી માંગતા જણાવ્યું છે કે, “હું એક ડોક્ટર છું, એક સમાજ સેવક તરીકે નિવેદન આપ્યું છે. અમે જવાબદારીથી છટકવા માગતા નથી. હંમેશા લોકો સાથે અને વચ્ચે રહીને જ કામ કરીએ છીએ”

વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા વિવાદીત નિવેદન આપવામાં આવતા શહેરભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પૂર સમયે અને ત્યાર બાદ નાગરિકોને મદદ પહોંચાડવાની જગ્યાએ ચેરમેને નિવેદન આપ્યું હતું કે, લોકોએ તરાપા અને ટ્યૂબ વસાવી લેવા જોઇએ. જેને લઇને સામાન્ય નાગરિકથી લઇને સામાજીક કાર્યકર અને પૂર્વ વિપક્ષી નેતા દ્વારા આ નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું છે.


આજે સામાજિક કાર્યકરો અતુલ ગામેચી, કમલેશ પરમાર, મહેન્દ્રસિંહ રાઠોડ અને પરેશ દવે સહિતના કાર્યકરો કોર્પોરેશનની કચેરી ખાતે ટ્યૂબ અને દોરડા લઇને આવી પહોંચ્યા હતા અને ચેરમેનના નિવેદનનો વિરોધ કર્યો હતો. સામાજિક કાર્યકરોએ કોર્પોરેશનને સુપરસિડ કરવાની માગ કરી હતી.

સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યુ હતુ કે, આ ચેરમેનનો બફાટ નથી, પરંતુ તેમના દિલની વાત છે. 30 વર્ષથી નાગરિકો પાસેથી વેરો લીધો, રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ લીધી, હવે તેઓ ધરાઇ ગયા છે. શહેરમાં પૂરની પરિસ્થિતીમાં પહોંચી વળ્યા નથી. હવે ધારાસભ્યો અને નગરસેવકોનો વિરોધ થઇ રહ્યો છે. આ સ્થિતીમાં વડોદરાની જનતાએ દોરડા, ટ્યૂબ અને તરાપા રાખવા પડશે. તેવું ચેરમેને નિવેદન આપી નગરજનોને “દાઝ્યા ઉપર ડામ” આપ્યો છે. કોર્પોરેશનને સુપરસિડ કરવાની માગ છે.


કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતું કે, વડોદરા પાલિકામાં સત્તાપક્ષના 30 વર્ષના શાસન દરમિયાન વિશ્વામિત્રી નદી કાંસમાં ફેરવાઇ ગઇ છે. અનેક ઠેકાણે દબાણો થયા છે, તળાવો પુરાઇ ગયા છે. માત્ર 7-8 ઇંચ વરસાદમાં જ શહેરની ખરાબ હાલત થઇ જાય છે. 26 ઓગસ્ટનું પૂર વડોદરાવાસીઓ ભૂલી નહી શકે. હવે શાસકો ટ્યુબ અને તરાપા વસાવી લેવાની સુફીયાણી સલાહ આપે છે. તેનો મતલબ એ થયો કે, શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં પૂર આવવાનું નિશ્ચિત છે. 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ નથી. રાજકારણ થયું, નેતાઓ ચૂંટાઇને આવ્યા, કોઇએ પ્રપોઝલ કંઇ મંગાવ્યું નથી અને આપ્યું નથી. દબાણો ખોલવાની જરૂર છે. તેની સામે 3 લાખ ચોરસ મીટર જગ્યાને ઝોનફેર કરીને નદી કિનારે રેસિડેન્શિયલ ઝોનમાં દબાણ આવી રહ્યું છે. તેમાંથી 75 હજાર ચોરસ મીટર માટે નોટિફિકેશન પણ બહાર પડી ચૂક્યું છે. તેનો મતલબ કે, આવનાર સમયમાં પૂરની સ્થિતી વધુ વિકટ બનવાની છે. વડોદરાના નાગરિકોએ હવે સમજવાની જરૂર છે.

શહેરના મુજમહુડા રોડ ઉપર આવેલા સામ્રાજ્ય એક્સ્ટેન્શનના રહીશોએ ચેરમેનના નિવેદનના વિરોધમાં દેખાવો સુત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી આ સોસાયટીમાં 8થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે. ત્યારે ચેરમેને આપેલા ટ્યૂબ, તરાપા રાખવાના નિવેદનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Share :

Leave a Comments