- વડોદરા મહાનગર પાલિકાએ દિવ્ય સીમંધર નામના કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં બ્લેક લિસ્ટ કર્યો હતો
વડોદરામાં તાજેતરમાં આવેલા પુરે ભ્રષ્ટ વહીવટનો પર્દાફાશ કર્યો છે . માત્ર બે માસ અત્યાધુનિક ટેક્નોલોજીથી બનેલો વડોદરાથી વાઘોડિયા તરફ જતો રોડ તૂટી ગયો હતો.
વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી હતી. જો કે પુર આવ્યું એ કુદરતી આફત કરતા માનવસર્જિત આફત વધુ હતી. કરોડો રૂપિયાનું આંધણ કરી બનાવેલા રોડ પણ તૂટી ગયા હતા. વડોદરાથી વાઘોડિયા તરફ જતાં રોડ પણ તૂટ્યા હતા. આમ તો કોઈપણ રોડ તૂટવાના બાકી નહીં રહ્યા હોય, પરંતુ અત્યાધુનિક ટેક્નોલોજીથી બનાવેલો રોડ જો તૂટી જાય તો શું કહેવું ? અને એ પણ માત્ર બે માસમાં.. વાઘોડિયા જતાં રોડ પર પારુલ યુનિવર્સિટીથી વાઘોડિયા સુધીનો રોડ તાજેતરમાં અંદાજે ૧૨ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.
- પ્રજાના રૂ. ૧૨ કરોડનો હિસાબ કોણ આપશે.?
વડોદરા રોડ એન્ડ બિલ્ડીંગના જિલ્લા વિભાગે માત્ર બે માસ પૂર્વે આ રોડ બનાવ્યો હતો. અમે તમને એ પણ જણાવી દઇએ કે આ રોડ પર કેન્દ્ર સરકાર ની CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ગાઈડ લાઈન મુજબ ૪.૧ કિલોમીટરનો રોડ CGBM ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો હતો. CGBM એટલે સિમેન્ટેડ ગ્રાઉન્ટેડ બીટ્યુમિન મિક્ષ. આ ટેક્નોલોજી મુજબ રોડ ની ગુણવત્તા અન્ય રોડ કરતા ઘણી સારી હોય છે. માત્ર ૪.૧ કિલોમીટર રોડ માટે ૨ કરોડ ચૂકવાયા હતા અને આ નવી ટેક્નોલોજી મુજબ દિવ્ય સીમંધર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાકટર ને કામ સોપાયું હતું. તમને જાણી ને નવાઈ લાગશે કે CGBM ટેક્નોલોજી મુજબ બનેલો રોડ પર માત્ર બે માસમાં ખાડા અને ગાબડા પડવા માંડ્યા. ધોધમાર વરસાદમાં રોડ હતો ના હતો થઈ ગયો. આ કોન્ટ્રાકટરે આ સિવાયનો વાઘોડિયા તરફ જતો રોડ બનાવ્યો એ પણ તૂટી ગયો.
- દિવ્ય સીમંધર કન્સ્ટ્રકટશન પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાકટર પર બોગસ બીલ રજૂ કરવાના આરોપ લાગ્યા હતા
બાકીના રોડ માટે દિવ્ય સીમંધર ને અંદાજે ૧૦ કરોડ ચૂકવાયા. આમ કુલ ૧૨ કરોડ ખર્ચ્યા બાદ પણ બે માસમાં રોડના ભુક્કા બોલી ગયા. રોડ પર એવા ખાડા પડ્યા કે જો વાહનચાલક ધ્યાન ના રાખે તો ગંભીર અકસ્માત થઈ શકે અને જાનહાની પણ થઈ શકે. રોડ તૂટવા અંગે R&B અધિકારીઓનું કહેવું છે કે પાણી રોડના લેવલ સુધી આવ્યું હતું એટલે રોડ ને નુકશાન થયું છે. હવે અહીં સવાલ એ છે કે માત્ર બે માસમાં રોડની ગુણવત્તા જવાબ કેમ આપી ગઈ ? અમે તમને એ જણાવી દઈએ કે આ રોડ બનાવનાર કોન્ટ્રાકટર દિવ્ય સીમંધર કન્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાકટર ને ભૂતકાળમાં વડોદરા મહાનગર પાલિકાએ બ્લેક લિસ્ટ કર્યો હતો. દિવ્ય સીમંધર નામના કોન્ટ્રાકટર પર એવા આરોપ લાગ્યા હતા કે તેણે શહેરમાં બનાવેલા રોડ ના બોગસ બીલ રજુ કર્યા હતા. બોગસ બીલો ની પોલ પકડાતા પાલિકાએ સીમંધર કન્સ્ટ્રક્શન ને બ્લેક લિસ્ટ કર્યો હતો.
- R&B ના અધિકારીઓને દિવ્ય સીમંધર પર હેત કેમ ઉભરાયું..?
હવે આ કોન્ટ્રાક્ટર પર R&B વિભાગને હેત ઉભરાયું અને પરિણામ અપેક્ષા મુજબનું આવ્યું. અહીં સવાલ એ છે કે R&B વિભાગે કામ આપતા પહેલા કોન્ટ્રાક્ટરના ઇતિહાસની તપાસ કેમ ના કરી ? રૂપિયા ૧૨ કરોડ ખર્ચી બે માસમાં રોડ તૂટી જાય એ કેવી કામગીરી ગણવી ? અત્યાધુનિક ટેક્નિલોજીને સમજવામાં અધિકારીઓ થાપ ખાઈ ગયા ? શું કોન્ટ્રાકટર સામે કાર્યવાહી થશે ? પ્રજાના પરસેવાના ટેક્ષના નાણાં આવી રીતે વેડફી નાખવાના ? મસ મોટા ખાડા ને કારણે કોઈ જાનહાની થાય તો કોણ જવાબદાર ? એકવાર બ્લેકલીસ્ટ કોન્ટ્રાક્ટરને કામ આપવા પાછળનું કારણ શું ? શું આ રોડ કોન્ટ્રાકટર પાસે ફરી બનાવડાવામાં આવશે ? આવા ઘણા સવાલો R&B વિભાગ સામે ઉભા થાય છે.