- ઝોન દીઠ કામ સોંપવાથી ગુણવત્તા અને વ્યાજબી ભાવનો તર્ક અભરાઈએ ચઢાવી દેવાયો..!
- એક કોન્ટ્રાકટર ને કામ સોંપવું હતું તો ઝોન દીઠ દરખાસ્ત કરવાની શી જરૂર..?
વડોદરા મહાનગર પાલિકા ત્રણ ઝોનમાં રૂ. ૮૯ લાખ કરતા વધુના ખર્ચે ડિવાઈડર પર વૃક્ષ ઉગાડશે. જો કે પારદર્શકતા ના દાવા વચ્ચે ત્રણેય ઝોનમાં કોન્ટ્રાકટ એક જ કોન્ટ્રાકટરને આપવામાં આવશે.
ભ્રષ્ટાચાર થી ખદબદતા પાલિકાના શાશન અને વહીવટના પાપે વડોદરા શહેર આજે પણ વિકાસની દ્રષ્ટિએ પછાત છે. પાલિકામા પારદર્શક વહીવટના દાવા માત્ર કાગળ પૂરતા જ હોય છે. તાજેતરમાં સ્થાયી સમિતિ સમક્ષ આવેલી એક દરખાસ્ત પાલિકાના વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવે છે. આ દરખાસ્ત મુજબ ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમા આવેલા રાજમાર્ગો પર ડીવાઈડર પર વૃક્ષઓ ઉગાડવાની મંજૂરી માંગવામાં આવી છે. આ દરખાસ્ત મુજબ ત્રણેય ઝોનના વૃક્ષઓ ઉગાડવા માટે અંદાજે રૂપિયા ૮૯ લાખ કરતા વધુ નો ખર્ચ આકવામાં આવ્યો છે. જો કે આ ત્રણેય ઝોન મા વૃક્ષઓ ઉગાડવા માટે એક કોન્ટ્રાકટર શ્રી હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન ને આપવાની ભલામણ છે અને એ પણ ૧૯.૯૯ ટકા વધુ ચૂકવીને. એટલે કે પાલિકાએ નિયત કરેલા ભાવ કરતા અંદાજે રૂપિયા ૧૮ લાખ વધુ ચુકવાશે. અહીં નવાઈની વાત એ છે કે આ દરખાસ્તમા ઉત્તર અને પશ્ચિમ ઝોન ની દરખાસ્ત અગાઉ રજુ થઈ ચુકી છે અને એ દરખાસ્ત મ્યુ. કમિશનર પરત મોકલી ચુક્યા છે. જો કે પાલિકામાં પરત થયેલી અને નામંજુર થયેલી દરખાસ્તો થોડા દિવસ બાદ ફરી રજુ કરવામાં આવે છે અને મંજુર કરવામાં આવે છે. અહીં સવાલ એ છે કે નામંજૂર કે પરત થયેલી દરખાસ્ત થોડા દિવસ બાદ પુન રજૂ કરી મંજુર કરવાની હોય તો નામંજુર કરવાનો દેખાડો શું કામ કરવામાં આવે છે ? ઝોન દીઠ કામ સોંપવાથી એક કરતા વધુ કોન્ટ્રાકટરને કામ મળે અને કામ ની ગુણવત્તા અને પારદર્શકતા જળવાય એવો દાવો કરવામાં આવે છે. તો પછી અહીં એક જ કોન્ટ્રાકટર ને કામ સોંપવાનો નિર્ણય કેવી રીતે લેવાયો ? સામાન્ય સંજોગોમા કોઈ પણ ચીજ વસ્તુ ની જથ્થાબંધ ખરીદી કરીએ ત્યારે વેપારી ભાવ ઓછો કરતા હોય છે. જો કે પાલિકા જથ્થાબંધ ખરીદી કરનાર કોન્ટ્રાકટરને હંમેશા વધુ ભાવ ચૂકવે છે. આમ પારદર્શકતા દાવાની પોકળતા વડોદરા મહાનગર પાલિકાના શાસકો અને વહીવટી તંત્રની પોલ ખોલે છે.