- વરણામા પોલીસે રૂપિયા 2 લાખથી વધુ કિંમતની દારૂ-બિયર જથ્થો સહિત શાકભાજી અને ટેમ્પો મળી રૂપિયા 5.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
શહેર નજીક ખટંબા ગામ પાસે દારૂની પેટીઓ ભરેલો એક ટેમ્પો ખાલી કરવા માટે ઊભો છે, તેવી બાતમીના આધારે વરણામાં પોલીસે દરોડો પાડી રૂપિયા 2 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસ સ્થળ પર આવે તે પૂર્વે ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. આ દારૂનો જથ્થો શાકભાજીની આડમાં લવાયો હતો.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક ખટંબા ગામ પાસે રાજસ્થાન પાસિંગનો શાકભાજી ભરેલો એક ટેમ્પો ઉભો હતો. શાકભાજીની આડમાંદારૂ ભરીને લાવેલો ચાલક દારૂનો જથ્થો ખાલી કરવા માટે ઊભો હતો. જે અંગેની જાણ વરણામા પોલીસ મથકના પીએસઆઇ વી.જી. લાંબરીયાને થતા તુરતજ તેઓ સ્ટાફના એએસઆઈ પ્રભાતસિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમાર તેમજ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને સાથે રાખી સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો. શાકભાજીની નીચે દારૂનો જથ્થો હતો.
સ્થળ ઉપર પહોંચેલી પોલીસ એક તબક્કે ટેમ્પોમાં શાકભાજી ભરેલી જોઈને મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. જોકે, પોલીસે ટેમ્પોમાં ભરેલી શાકભાજી નીચે તપાસ કરતા ભારતીય બનાવટની દારૂ-બિયર બોટલો ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે શાકભાજીની આડમાં લવાયેલો દારૂ ભરેલો ટેમ્પો કબજે કરીને ટેમ્પો ચાલકની તપાસ શરૂ તપાસ કરી હતી. પરંતુ ટેમ્પો ચાલક સ્થળ ઉપર જણાઈ આવ્યો ન હતો.
દરમિયાન પોલીસે ટેમ્પો કબજે કરીને પોલીસ મથક લઈ ગઈ હતી. ટેમ્પો પોલીસ મથકમાં લઈ ગયા બાદ તપાસ કરતા રૂપિયા 2,03,400ની કિંમતની 1848 નંગ દારૂ-બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, શાકભાજી, ટેમ્પો મળી રૂપિયા 5,10,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વરણામા પોલીસે આ બનાવ અંગે ફરાર થઈ ગયેલા ટેમ્પો ચાલક સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. તે સાથે આ દારૂનો જથ્થો ખટંબા ગામ પાસે કોણે આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ટેમ્પો ચાલક ઝડપાયા બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પરંતુ ખટંબા ગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા વિસ્તારના બુટલેગરમાં ફફડાટ ફેલાઇ ગયો છે.