MSUની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ બેડરૂમમાં ડિપ્રેશનમાં આવી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

રક્ષાબંધનના બે અઠવાડિયા પૂર્વે ભાઈએ પોતાની સગી બહેનને ગુમાવી

MailVadodara.com - A-student-studying-in-the-Faculty-of-Science-at-MSU-cut-her-life-short-after-being-trapped-in-bedroom-depression

- પોલીસને મળેલી અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું કે, હું આ પગલું ભરવા બદલ માફી માગું છું, તમે બધાએ મને બહુ પ્રેમ આપ્યો પણ હવે હું જીવવા માંગતી નથી

શહેરના સમા વિસ્તારમાં રહેતી અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવીને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. સમા પોલીસને અંતિમ ચિઠ્ઠી મળી છે. જેમાં તેણે આ અંતિમ પગલું ભરવા બદલ પરિવારજનોની માફી માંગી છે. બનાવને પગલે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

સમા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના ન્યૂ સમા રોડ આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષની મોનિકા શ્યામવીરસિંઘ એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. થોડા દિવસ અગાઉ તેના પિતા મથુરા ગયા હતા. જ્યારે માતા અમદાવાદ નોકરી કરતી હોઇ અમદાવાદ હતી. ત્યારે ગઇકાલે મોનિકા અને તેનો ભાઈ ઘરે જ હતા. આ દરમિયાન તેનાે ભાઇ કોઇ કામ માટે બહાર ગયો હતો. ત્યારબાદ તેના ભાઇ રાઘવેન્દ્રએ વારંવાર ફોન કરવા છતાંય મોનિકાએ ફોન રિસિવ કર્યો નહતો. જેથી, તે ઘરે દોડી આવ્યો હતો. જ્યાં રાઘવેન્દ્રએ બેડરૂમમાં જઈને જોતા મોનિકા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

સમગ્ર ઘટના અંગે પરિવાર અને સમા પોલીસને જાણ કરવામાં આવતા સમા પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.બી.રાઠોડ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઉંડાણપૂર્વક ઘટનાની તપાસ હાથ ધરતા બેડરૂમમાંથી મોનિકાએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. તેમાં તેણે આ પગલું ભરવા બદલ પરિવારની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે, ‘હું આ પગલું ભરવા બદલ માફી માગું છું. તમે બધાએ મને બહુ પ્રેમ આપ્યો છે. હું મારા જીવનમાં ખરી ન ઉતરી શકી. પણ હવે હું જીવવા માંગતી નથી. ભાઇ તું બધાનો ખ્યાલ રાખજે’ સહિતનું લખાણ મળી આવ્યું હતું.

સમા પોલીસે અંતિમ ચિઠ્ઠી તેમજ મોનિકાનો મોબાઇલ એફ.એસ.એલ.ને તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે, મોનિકાએ પોતાની ચિઠ્ઠીમાં મરવાની જ વાત લખી હતી. જેના પરથી એવું લાગે છે કે, તે ડિપ્રેશનમાં હતી. તે ઘરની બહાર પણ બહુ નીકળતી નહતી. પરિવાર ભારે શોકમાં હોવાથી હજી વધારે પૂછપરછ થઇ શકી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તથા યુવતીનો મોબાઈલ કબજે કરીને તેને FSLમાં મોકલવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, બે અઠવાડિયા બાદ બહેન અને ભાઈનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવનાર છે. તે પૂર્વે જ એક ભાઈએ બહેનને ગુમાવી દેતા પરિવાર શોકાતૂર બન્યું હતું.

Share :

Leave a Comments