વડોદરાની સેન્ટ્રલ જેલના બાથરૂમમાંથી પાકા કામનો કેદી મોબાઈલ પર વાત કરતા ઝડપાયો

ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓને જોતા કેદીએ મોબાઈલ કમરના ભાગે છુપાવી દિધો હતો

MailVadodara.com - A-seasoned-convict-was-caught-talking-on-a-mobile-from-the-bathroom-of-the-Central-Jail-in-Vadodara

- કેદીની અંગ ઝડતી કરી જીયો કંપનીનો મોબાઈલ, બેટરી, સીમકાર્ડ સહિત શોધી કાઢાયો

- રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

વડોદરા મધ્યસ્થ જેલમાંથી મોબાઇલ મળવાના કિસ્સા બંધ થવાનું નામ લેતા નથી. ત્યારે ફરી એકવાર પાકા કામના કેદી પાસેથી સીમકાર્ડ સાથેનો મોબાઇલ મળી આવ્યો હતો. બાથરૂમમાં બેસીને વાત કરતો હતો તે દરમિયાન ઝડતી સ્કવોડ દ્વારા કેદીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેથી જેલમાં મોબાઈલ મળી આવવાના પગલે જેલ સતાધીશોની સિક્યુરિટી સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. 

વડોદરા મધ્યસ્થ જેલમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર એમ. પંડીતે ફરીયાદ નોંધાવી છે કે, ૬ નવેમ્બરના રોજ મારી ફરજ ડ્યુટી જેલર તરીકે હતી. ત્યારે સમય ૯.૨૬ થી ૯.૪૦ કલાક દરમ્યાન યાર્ડ નં. ૯ ખાતે ફરજ બજાવતા જેલ સહાયક દેવરાજભાઈ રબારીને પાકા કેદીઓની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. જેથી ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓએ આ દરમ્યાન યાર્ડ ૯ બેરેકોની પાછળના ભાગે આવેલા જનરલ સંડાસ-બાથરૂમની આસપાસ કેદીઓની હિલચાલ વધારે શંકાસ્પદ જણાઇ હતી. જેથી ઝડતી સ્કવોર્ડ દ્રારા ઝડતી કરવા માટે બાથરૂમની બાજુમાં જતા વાતો કરવાનો અવાજ આવ્યો હતો. જેથી બાથરૂમમાં ચેક કરતા પાકા કેદી મહેબુબ ઉર્ફે ઘડીયાળી અબ્દુલ કરીમ વ્હોરા મોબાઈલ ફોન પર વાતો કરતો હતો. જે ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓને જોઈ જતા કેદીએ મોબાઈલ પેન્ટની અંદર કમરના ભાગે છુપાવી દિધો હતો. જે સિપાઈ લાલાભાઈ એમ. પરમારે કેદીની અંગ ઝડતી કરી જીયો કંપનીનો મોબાઈલ, બેટરી, સીમકાર્ડ સહિત કમરના ભાગેથી શોધી કાઢ્યો હતો. રાવપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ જેલમાં અવારનવાર મોબાઇલ મળી આવવાના કિસ્સા બનતા હોય છે ત્યારે આ મોબાઈલ કઈ રીતે જેલની અંદર આવ્યો તેની તપાસ થાય તો ઘણા જેલ કર્મચારીઓ-અધિકારીઓની સંડોવણી બહાર આવે તેમ છે.

Share :

Leave a Comments