રણોલી સ્થિત અક્ષર રેસિડેન્સીના મકાનમાંથી 40 ગ્રામ હેરોઈન ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

વડોદરા એસઓજી પોલીસે બાતમી આધારે મકાનમાં રેડ કરી હતી

MailVadodara.com - A-person-was-caught-with-40-grams-of-heroin-drugs-from-the-house-of-Akshar-Residency-located-in-Ranoli

- આરોપી જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી


શહેરના રણોલી વિસ્તારમાં આવેલી અક્ષર રેસિડેન્સીના મકાનમાંથી 40 ગ્રામ હેરોઇન ડ્રગ્સ સાથે એક શખસની વડોદરા એસઓજી પોલીસે ધરપકડ કરી છે. આરોપીની સઘન પૂછપરછ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા એસઓજીની ટીમને બાતની મળી હતી કે, વડોદરાનાં રણોલી વિસ્તારમાં આવેલી અક્ષર રેસિડેન્સીના મકાન નંબર સી-510માં રહેતો બાજસિંગ સરદાર હેરોઇન ડ્રગ્સની હેરાફેરી કરે છે. જેને આધારે વડોદરા એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી અને બાજસિંગ સરદાર ઘરે આવતા જ અક્ષર રેસિડેન્સી સ્થિત તેના મકાનમાં રેડ કરી હતી અને પોલીસે તેના ઘરમાં ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન આરોપી બાજસિંહ સરદાર પાસેથી રૂપિયા 1.58 લાખની કિંમતનું 40 ગ્રામ હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું.


વડોદરા એસઓજી પોલીસે આરોપી બાજસિંગ સરદારની ધરપકડ કરી છે અને આરોપી હેરોઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. આરોપી બાજસિંગનો ગુનાહિત ઇતિહાસ છે કે, કેમ તે દિશામાં પણ એસ.ઓ.જી પોલીસે તપાસ શરૂ કરી છે.

એસઓજી પી.આઇ વી. એસ. પટેલે જણાવ્યું હતું કે, આરોપી પાસેથી 40 ગ્રામ હેરોઇન ડ્રગ્સ મળ્યું છે. આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી આ મકાનમાં પરિવાર સાથે ભાડેથી રહેતો હતો.


ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર ડ્રગ્સનો જથ્થો પકડાય છે, અગાઉ તો વડોદરામાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ પણ પકડાઈ ચૂકી છે, આ પ્રકારે ડ્રગ્સ માફિયાઓ શહેરમાં ડ્રગ્સની સપ્લાય કરીને યુવા ધનને ખોખલું બનાવી રહ્યા છે.

Share :

Leave a Comments