- મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવાનો વારો
શહેરના અકોટા ગાય સર્કલ પાસે મેઇન રોડ પર વિશાળ ભૂવો પડતાં આડશ મૂકાઈ હતી. શહેરના દરેક વિસ્તારમાં કોઈને કોઈ માર્ગ પર ભૂવો પડ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગયા રવિવારે અકોટા ગાય સર્કલ પાસે મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડયો હતો સાથે આગળ જતાં અલકાપુરી હવેલીની નજીક પણ મેઇન રોડ પર ભૂવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને રહીશોએ તંત્રને જાણ કરી હતી. વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા મુખ્ય માર્ગ પર ભૂવો પડવાને કારણે વાહન ચાલકોએ પણ સાવચેતી રાખવાની જરૂર પડી હતી. ભૂવો પડતાંની સાથે સાવચેતીના ભાગ રૂપે ત્યાં આડશ મૂકી દેવામાં આવી હતી. મુખ્ય માર્ગ પર ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને પણ જીવના જોખમે પસાર થવાનો વારો આવી રહ્યો છે.
આ પહેલા ગાય સર્કલ પાસે ભૂવો પડયો હતો અને પાલિકા દ્વારા પુરાણ કરી વાહન વ્યવહાર માટે ગાય સર્કલ પાસે નો રોડ પુનઃ સરું કરાયો હતો. આજે સાત દિવસ પહેલા પડેલા ભૂવા નજીક ફરી મસમોટો ભૂવો પડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ લોકો મજબૂરીમાં ભૂવા નજીકના રોડ પરથી જીવના જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા છે. રોજ નવા ભૂવા પડવાથી પાલિકા તંત્ર પર લોકોનો રોષ જોવા મળે છે. આ વરસાદની સીઝન માં ક્યારેય ન પડયા એટલા અને મોટા ભૂવા આ વરસાદી સીઝનમાં ભૂવા પડયા છે. સદનસીબે ભુવા પડવાના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હવે જે પ્રમાણે મસમોટા ભૂવા પડી રહ્યા છે એ જોઈ ને લોકોમાં દહેશત છે કે, ભૂવા આમજ પડવાનું ચાલુ રહ્યું તો જરૂર કોઈ મોટી જાનહાની થશે અને કોઈનો જીવ આ ભૂવા લેશે.