વડોદરામાં ભૂંગળાં-પાપડી બનાવતી ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી

ફેકલ્ટીમાં રો-મટીરિયલ હોવાના કારણે આગની પ્રચંડ જ્વાળાઓ ઊઠી હતી

MailVadodara.com - A-huge-fire-broke-out-in-a-bhungal-papadi-factory-in-Vadodara-this-morning

- શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, વીજપુરવઠો બંધ કરી દીધો હતો


શહેરના ન્યુ વીઆઇપી રોડ ખોડિયારનગર પાસે ભૂંગળાં-પાપડી બનાવતી ફેક્ટરીમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે અફરાતફરી મચી ગઇ હતી. આગની જ્વાળા વચ્ચે ચારેકોર પાપડી-ભૂંગળાં ફેલાઈ ગયાં હતાં. આગને બુઝાવવા ફાયરનો કાફલો સત્વર ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના ખોડિયારનગરમાં ભૂંગળાં-પાપડી સહિતની ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ચાલે છે. આ ફેક્ટરીમાં સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાંની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પાણીમારો ચલાવી આગને પ્રાથમિક તબક્કે બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વિકરાળ હોવાથી આગ કાબૂમાં આવી ન હતી.


દરમિયાન આ બનાવની જાણ કરવામાં આવતાં પાણીગેટ ફાયરબ્રિગેડના લશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે પાણીમારો ચલાવી મહામહેનતે આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફેક્ટરીમાં ભૂંગળાં-પાપડી જેવી વસ્તુઓ બનાવવા માટેનું રો-મટીરિયલ હોવાના કારણે આગની પ્રચંડ જ્વાળાઓ ઊઠી હતી. આગના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.


જોકે આગ વધુ પ્રસરે એ પહેલાં સ્થળ પર પહોંચી ગયેલી પાણીગેટ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ચારેબાજુથી પાણીમારો ચલાવી એને કાબૂમાં લેવાઈ હતી. આગ કાબૂમાં આવતાં સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. આગથી મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું મનાય છે.


આગના આ બનાવની જાણ વીજ કંપનીને થતાં તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સાવચેતીના ભાગરૂપે આસપાસનો વીજપુરવઠો બંધ કરી દીધો હતો. એ સાથે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. ભૂંગળાં બનાવતી ફેક્ટરીના સંચાલક દ્વારા જરૂરી મંજૂરી લીધી હતી કે કેમ એ દિશામાં હવે ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments